ભુતકાળમાં ખુલ્લી ભૂગર્ભ ગટરમાં વ્યકિત પડી જતાં મોત થયાનો બનાવ બની ચુક્યો છેમોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરો તો બનાવવામાં આવી છે પરંતુ આ ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ લગાવવામાં નહીં આવતા આ ભૂગર્ભ ગટરની ખુલ્લી કૂંડીઓ જાણે મોતને આમંત્રણ આપતી હોય તેવું લાગી રહ્યું છે. ભુતકાળમાં પણ આ ખુલ્લી કૂંડીઓને કારણે વ્યક્તિનું પડી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ખુલ્લી કૂંડીઓ ઉપર ઢાંકણ કરવાની માંગણી કરવામાં આવી છે.મોરબી યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.3 માં આવેલા રામકૃષ્ણ નગર પાસે આશરે 25 થી 30 ભૂગર્ભ ગટરની કૂંડીઓ ખુલ્લી હોવાથી અકસ્માતનો બનાવ બનવાની સંભાવના વધી જાય છે. ભૂગર્ભ ગટરની કૂંડી ખુલ્લી હોવાથી નાનું વાછરડું અંદર પડી ગયું હતું તેમજ અરૂણોદય નગરમાં એક વ્યકિત પડી જતા તેમનું મોત થયું હતું. આમ આ ખુલ્લી કૂંડીઓ લોકોને મોતનું આમંત્રણ આપે છે. ત્યારે આ બાબતે વધુ પશુ કે માનવનો ભોગ ખુલ્લી કૂંડીઓને કારણે ન લેવાય તે માટે તેના ઉપર ઢાંકણ મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.