મોરબીના સામાકાંઠે ફૈબાના ઘેર ગયેલા યુવાનને પારકા ઝઘડામાં પડવું ભારે પડ્યું મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફૈબાના ઘેર બેસવા ગયેલા યુવાને શેરીમાં ઝઘડો કરી રહેલા પરિવારજનોને શાંત પાડવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા શખ્સોએ આ ઝઘડો અમારા પરિવારનો છે તું વચ્ચે ન આવ કહી છરીના ઘા ઝીકી દેતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ સામે વાલ્મીકીવાસમાં રહેતા જયસુખભાઇ નાથાભાઈ ઝાલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમનો મોટો પુત્ર રવિ ઉર્ફે રવીન્દ્રભાઈ જયસુખભાઇ ઝાલા ભીમસર ખાતે રહેતા તેમના બહેન કિરણબેનના ઘેર ગયો હતો ત્યારે પાડોશમાં રહેતા આરોપી ક્લેજ લલિતભાઈ, રાજ લલિતભાઈ, લલિતભાઈ કેશાભાઈ અને રાજુભાઈ કેશાભાઈ શેરીમાં ઝઘડો કરી જોરજોરથી રાડો પાડતા હોય ભોગ બનનાર રવિ ઉર્ફે રવિન્દ્ર ઝઘડામાં વચ્ચે પડી ઝઘડો નહીં કરવા સમજાવવા ગયો હતો. આ સમયે આરોપીઓએ આ અમારા પરિવારનો ઝઘડો હોય તું કેમ વચ્ચે પડશ કહી ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપી ક્લેજ લલિતભાઈએ ઘરમાંથી છરી લાવી છરીના ઘા ઝીકી દેતા રવીન્દ્રભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.હત્યાના આ બનાવ અંગે મૃતક રવિન્દ્ર્ભાઈના પિતા જયસુખભાઇ નાથાભાઈ ઝાલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ક્લેજ લલિતભાઈ, રાજ લલિતભાઈ, લલિતભાઈ કેશાભાઈ અને રાજુભાઈ કેશાભાઈ રહે.તમામ ભીમસર વિસ્તાર વાળાઓ વિરુદ્ધ આઇપીસી કલમ 302,323,504,114 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.