દુર્ઘટનાના મૃતકોના સંતાનોને શિક્ષણ વ્યવસ્થા આપવા હોઇકોર્ટમાં રજુઆત થતા શિક્ષણ મામલે સરકારનો જવાબ માંગવામાં આવ્યો મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટેમાં ચાલી રહેલી સુઓમોટો પિટીશનમાં પીડિતોના વકીલે મૃતકોના સંતાનોને શિક્ષણ વ્યવસ્થા આપવા હોઇકોર્ટમાં રજુઆત કરતા નામદાર હાઇકોર્ટે સરકારનો જવાબ માંગવાની સાથે સાથે સીટના તપાસ રિપોર્ટ અંગે પણ ટકોર કરી સીટનો ફાઇનલ રિપોર્ટ સીલબંધ કવરને બદલે તમામ પક્ષકારોને આપવા જણાવ્યુ હતું. મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના સુઓમોટો પિટિશન કેસમાં ગઈકાલે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી.ઝૂલતા પુલ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.તે ઉપરાંત બે સિક્યુરિટી ગાર્ડ અને ટિકિટ ચેકરને હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં છે. ત્યારે આજે સુઓમોટો પિટિશન મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવતા સુનવણીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ હોનારત મુદ્દે સીટનો ફાઇનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકાશે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે, વચગાળનો સીટનો રીપોર્ટ તેમને અપાયો નથી તે સીલ કવરમાં હતો. જ્યારે કોર્ટે કહ્યુ હતું કે ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને અપાશે. ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાને સુપરસીડ કરવાના રાજ્ય સરકારના હુકમને નગરસેવકોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટે અનાથ બાળકોની સારસંભાળ વિશે સવાલ કરતાં સરકારે જણાવ્યું હતું કે, અનાથ બાળકોને નામે 50 લાખ રૂપિયા અપાયા છે. તેમના ખાધા ખોરાકી અને અભ્યાસનું પણ સરકાર ધ્યાન રાખે છે. તેમને સરકારની જુદી-જુદી સ્કીમનો લાભ પણ મળશે. ઓરેવા કંપની પણ તેમાં પોતાની રીતે ફાળો આપશે. બાળકોની સારસંભાળ મુદ્દે સરકાર એફિડેવિટ ફાઈલ કરશે. આ સાથે જ પીડિતોને વળતર મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી 4 લાખ રૂપિયા, પ્રધાનમંત્રીના ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકારે વધુ 4 લાખ રૂપિયાની સહાય એમ મળીને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મૃતક દિઠ કરાઈ છે. ઉપરાંત મૃતક દિઠ 10 લાખ રૂપિયા ઓરેવા કંપની તરફથી ગુજરાત લીગલ એઈડ સર્વિસમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં મૃતકોને કુલ 20 લાખ રૂપિયા વચગાળાનું વળતર અપાયું છે.