રાજ્યના 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાલ, ચાલુ માસે કાર્ડધારકો તેલ-ખાંડ અને અનાજની વંચિત રહેશે મોરબી : અનાજમાં ઘટ, કમિશન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં અંતે આજથી મોરબી સહીત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ સરકાર સામે લડત શરૂ કરી હડતાલનું એલાન કર્યું છે જેને પગલે ગરીબોના તહેવારો બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આજથી મોરબીના 283 સહિત રાજ્યના 17 હજાર દુકાનદારોએ રાજ્યવ્યાપી હડતાલનુ એલાન કર્યુ છે. મોરબી જિલ્લા એફપીએસ એસોશિએશન પ્રમુખ પંકજભાઈ સબાપરાએ હડતાલ અંગે જણાવ્યું હતું કે, વ્યાજબી ભાવના દુકાનદારોની રજૂઆત છેકે, અસહ્ય મોઘવારીમાં ઓછા કમિશનને કારણે દુકાનદારોને ઘરનિર્વાહ કરવું પોષાય તેમ નથી. ગુજરાત કરતાં અન્ય રાજ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણી અગાઉ પણ વ્યાજબી ભાવના દુકાનદારોએ હડતાલ પાડી હતી ત્યારે પણ કમિશન વધારવા માટે સરકારે ખાતરી આપી હતી અને નાના દુકાનદારોને મહિને 20 હજાર કમિશન આપવા સહમતી સધાઈ હતી પણ હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. વધુમાં રાજ્યના પુરવઠા મંત્રી અને પુરવઠા વિભાગના અધિકારીઓ એક જવાબ આપી રહ્યા છેકે, નાણાં વિભાગની મંજૂરી મળતાં જ કિમશનમાં વધારો કરવામાં આવશે. આ સંજોગોમાં માત્ર કોણીએ ગોળ ચોંટાડીને દુકાનદારો સાથે માત્ર વાયદાબાજી કરવામાં આવી રહી હોવાનો સુર ઉઠ્યો છે.આ ઉપરાંત 50 કિલોની અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવે છે જે દુકાનદારોને પોષાતુ નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટને બદલે વળતર આપવા ઇચ્છુક જ નથી. દુકાનદારોનો આરોપ છેકે, ઓનલાઇન સિસ્ટમ પાછળ અત્યાર સુધી કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે તેમ છતાંય વારંવાર સર્વર ખોટકાઇ રહ્યુ છે જેથી દુકાનદારો ઉપરાંત કાર્ડધારકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. વધુમાં પંકજભાઈ સબાપરા, મોરબી તાલુકા એફપીએસ એસોશિએશન પ્રમુખ આપાભાઈ, અગ્રણી જવાહરભાઇ અને ઉગાભાઇ રાઠોડે ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં આઠેક માસથી દુકાનદારોને કમિશન ચુકવાયું નથી એવામાં ખાંડ અને તેલની પરમીટ માટે વધારાના નાણાં કાઢવા નાના દુકાનદાર માટે મુશ્કેલ છે.બીજી તરફ સસ્તા અનાજના વિક્રેતાઓની રાજ્યવ્યાપી હડતાલને કારણે લાખો કાર્ડધારકોને ખાંડ,તેલ,અનાજ નહી મળે તેવી સ્થિતી જોવાઈ રહી છે. હડતાલના એલાન સંદર્ભે પુરવઠા વિભાગના અધિકારીઓ લાયસન્સ રદ કરવા સુધીની ચિમકી આપી હોવા છતાંય દુકાનદારોને ચલણ ભર્યા નથી. અનાજનો જથ્થો જ ઉપાડ્યો નથી. દુકાનદારોનું કહેવુ છેકે, આ વખતે રાજ્ય સરકાર પ્રશ્ન નહીં ઉકેલે ત્યાં સુધી વ્યાજબી ભાવની દુકાનોને તાળા લાગેલા રહેશે. દુકાનદારો અનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવના દુકાનદારો વચ્ચેની મડાગાંઠમાં હાલમાં ગરીબ રેશનકાર્ડ ધારકોની કફોડી દશા થઇ છે.