માત્ર રૂપિયા 5 અને 10ના ભાડામાં લોકોને શહેરના દરેક વિસ્તારો અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આવન જાવનની સુવિધાઓ મળશે મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ચાર માસ બાદ આજથી ફરી 11 સીટી બસો શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે લીલીઝંડી આપી 11 સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર 5 અને 10 રૂપિયામાં લોકોને શહેરના દરેક વિસ્તારો અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આવન જાવનની સુવિધાઓ મળશે. મોરબી નગરપાલિકા દ્વારા કુલ આજે 11 સીટી બસો શરૂ કરવામાં આવી છે.આ સીટી બસી શહેરના અલગ અલગ વિસ્તારમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દોડશે. સીટી વિસ્તારમાં આ સીટી બસનું રૂ. 5 અને છેલ્લા સ્ટેશને કે નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રૂ.10નું ભાડું રાખવામાં આવ્યું છે. જે રીક્ષાના રૂ.20નું ભાંડું કરતું સસ્તું છે. એટલે લોકોને હવે સીટી બસની સુવિધાઓથી રિક્ષાના વધુ ભાંડા ચૂકવવા નહિ પડે. મોરબી નજીકના લજાઈ, ઘુંનડા, નાની વાવડી, રફાળેશ્વર, લીલાપર અને સામાકાંઠે સુધી સીટી બસો દોડાવવામાં આવશે. એટલે સીરામીક સહિતના અન્ય ઉધોગના શ્રમિકોને પણ આ સીટી બસનો લાભ મળશે. જેમ જેમ જરૂરિયાત પડે તેમ તેમ જે તે વિસ્તારમાં બસ શરૂ કરાશે અને આ 11 સીટી બસોનો બે દિવસમાં રૂટ અને ટાઈમ ટેબલ નક્કી કરી દેવામાં આવશે અને ફરીથી આ બસો બંધ ન પડે તેની પૂરતું તકેદારી રખાશે તેમ ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું હતું. ચાર મહિના સીટી બસ બંધ રહ્યા બાદ હવે ફરીથી ચાલુ કરાતા લોકોને રાહત થઈ છે. અગાઉ કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા આ બસો શરૂ હતી. પણ કોન્ટ્રાક્ટરની લાલીયાવાડીને કારણે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર આ બસો શરૂ કરી હોય ત્યારે ચાર મહિના સુધી પાલિકા પાસે યોગ્ય ભંડોળ ન હોવાથી આ બસો બંધ રહી હોવાનું કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું, ફરીથી યોગ્ય ભાવ મળતા આ કોન્ટ્રાક્ટરે બસો શરૂ કરી છે. આજથી સીટી બસોના પ્રારંભ વખતે ધારાસભ્ય અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા