પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ આજે જામનગરમાં જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે સેન્સ લીધી મોરબી : મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નવી ટર્મ માટેના પદાધિકારીઓની પસંદગી અંગેની પેનલના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાતા તેઓ આજે જામનગર ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના સુનિશ્ચિત કરેલ આગેવાનોને મળીને આગામી ટીમ માટે પસંદ કરવાના હોદ્દેદારો અંગેની સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈ જામનગર જિલ્લા સંકલન બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા સંગઠન સંકલન બેઠકમાં તેઓ અપેક્ષિત આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્ય અને રાજ્યમંત્રી સાથે પણ પરામર્શ કરશે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે પ્રદેશ કક્ષાએ પંચાયતોના હોદ્દેદારોની આગામી ટર્મની પસંદગી અંગેની કામગીરીની સંકલનની જવાબદારી પણ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીએ તેમને સોંપેલ છે, તે અંતર્ગત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ સાથે તેઓ આ કામગીરી પણ નિભાવી રહ્યા છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતના જિલ્લા પંચાયતના સભ્યોના પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના 17 જેટલી જિલ્લા પંચાયતોના સભ્યોને પંચાયતી રાજ, કાનૂન, બજેટ વિગેરે અંગેની સમજણ આપવા તેમને વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. અગાઉ પણ દેશના પ્રધાનમંત્ર નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના સેવા અને ગરીબ કલ્યાણના સુશાસનની સફળતાની કામગીરી અંગે પણ તેમણે જુદી જુદી જગ્યાએ પ્રબુદ્ધ નાગરિકો જેવા કે ઉદ્યોગકારો, શિક્ષણ વિદો, વકીલો ના ગ્રુપને જુદી જુદી જગ્યાએ સંબોધન કર્યું હતું. ચાલુ વર્ષે ભારતમાં યોજાના G20 સમિટ અન્વયે 11 મુદ્દાના કાર્યક્રમ અંગે સમજ આપવા પોરબંદર ખાતે રખાયેલ વર્કશોપમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર ચેતના અંતર્ગત તેમણે મોરબી અને ટંકારા મંડળમાં સામેલ થઈ કામગીરી નિભાવી હતી. આમ, બ્રિજેશ મેરજા સતત લોકો વચ્ચે રહીને જીવંત જનસંપર્ક થકી લોક સેવાની નૈતિક ફરજ પૂરી નિષ્ઠા અને નમ્રતાથી નિભાવી રહ્યા છે. તેઓ પોતાના જન સંપર્ક કાર્યાલય તેમ જ પ્રસંગોપાત મોરબી તાલુકા મંડળ અને જિલ્લા ભાજપ કાર્યાલય માં ઉપસ્થિત રહીને પણ સંગઠન અને સેવાની કામગીરીમાં પણ જોડાયેલા રહે છે.