મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની- મોરબી દ્વારા પોલીસ જવાનો અને જેલના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવાયો હતો. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની મોરબીના અગ્રણીઓ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, જિલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી તથા હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચાની આગેવાનીમાં મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા સબ જેલની મુલાકાત લઈ ફરજ પરના પોલીસ અધિકારીઓ તેમજ જેલનાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. આ તકે પોલીસ અધિકારીઓ તેમજ જેલના કેદીઓ ભાવવિભોર બન્યા હતા. સંસ્થાના અગ્રણીઓ દ્વારા પ્રજાની રક્ષા કરતા પોલીસ જવાનોને રક્ષા બાંધી ઈશ્વર તેમને વધુ શક્તિ પ્રદાન કરે તેવી શુભકામના પાઠવી હતી તેમજ જેલના કેદીઓ સારા નાગરિકો બની સમાજના ઉત્કર્ષમાં સહભાગી બને તેમજ પોતાના પરિવાર પ્રત્યે કટીબદ્ધ બની ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃતિઓથી દુર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.