મોરબીમાં અંદાજીત 1.50 કરોડનું રાખડીનું માર્કેટ, 70 ટકા રાખડીનું વેચાણ મોરબી : ભાઈ બહેનના નિર્દોષ હેતપ્રેમને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનને હવે થોડા જ કલાકની વાર હોય ત્યારે મોરબીની બજારોમાં મોટાભાગની રાખડીઓ ચપોચપ વેચાઈ ગઈ છે.ખાસ કરીને આ વર્ષે અમેરિકન ડાયમંડ વાળી રાખડીની ડીમાંડ છે ત્યારે રક્ષાબંધનને લઈને છેલ્લા 20 દિવસથી રાખડીઓની ધૂમ ખરીદી નીકળી છે. બજારોમાં બહેનોની ભારે ભીડ વચ્ચે મોટાભાગની બહેનોએ બહારગામ રહેતા તેમના ભાઈઓ માટે પોસ્ટ કે કુરિયરમાં રાખડીઓ મોકલાવી પણ દીધી છે. એટલે હવે બહેનો ચોખા, મગ, મીઠાઈ સાથેની અવનવી રાખડીઓ સાથેની થાળી સજાવી છે અને બહેનો ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધવા ભારે ઉત્સુક બની છે. મોરબીનું આ વર્ષનું રાખડીનું માર્કેટ જોઈએ તો દર વખતે કરતા થોડું વધુ છે. તેનું કારણ છે કે આ વખતે જુદી જુદી સ્ટાઈલની રાખડીઓ બજારમાં આવી ગઈ છે. એક ખાસ અમેરિકન ડાયમંડની રાખડીની જબરી ડિમાન્ડ છે. આ અમેરિકન ડાયમંડની રાખડીમાં આખો સેટ આવે છે. જેમાં મગ ચોખા, કંકુ, મીઠાઈ સાથેની આખે આખી થાળી હોય છે. આ રાખી સેટ તૈયાર મળતો હોવાથી ઘણી બહેનોએ આ અમેરિકન ડાયમંડવાળી રાખી સેટ ખરીદવા ભારે પડાપડી કરી છે. વેપારીઓના કહેવા મુજબ આ રાખી સેટે ભારે આકર્ષણ જમાવ્યું છે. આ રાખી સેટની કિંમત 1500 થી 2000 રૂપિયા છે. મોટાભાગના વેપારીઓ પાસે આ રાખી સેટનો હવે સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે.રાખડીના વેપારી દીપકભાઈ પોપટે કહ્યું હતું કે, આવા અમેરિકન રાખી સેટ 600 મંગાવ્યા હતા. ઓલઓવર મોરબીમાં આવા અમેરિકન રાખી સેટ 2 હજાર જેટલા આવ્યા હતા. આ રાખડીની જબરી ડિમાન્ડ છે. પણ ઉપરથી માલ જ નથી. ગયા વખતનો રાખડીનો સ્ટોક પડ્યો હોવાથી આ વખતે થોડું રાખડીનું ઉત્પાદન ઘટ્યું હતું. અગાઉનો જેટલો માલ સ્ટોકમાં હતો. એ પૂરો થઈ ગયો છે. અમુક ટકા જ રાખડીનું હવે છેલ્લી ઘડીએ વેચાણ થઈ રહ્યું છે. માત્ર રેકડીઓમાં રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. મોરબીમાં રાખડીનું ઓલઓવર અંદાજીત દોઢ કરોડનું માર્કેટ હોય તેમાં 70 ટકા રાખડીઓનું વેચાણ થઈ ગયું છે. તહેવારને હવે થોડો સમય બાકી હોય ત્યારે 30 ટકા બાકી રહેલું રાખડીનું વેચાણ પણ થઈ જશે. 2 રૂપિયાથી માંડીને 2 હજાર સુધીની રાખડીઓ વેચાય છે. દૂર સુદૂર રહેતા ભાઈને રાખડીઓ મોકલવા માટે પોસ્ટલ વિભાગ દ્વારા એક વિશેષ સેવા જાહેર કરવામાં આવી છે. જેમાં વરસાદમાં ન પલળે તે માટે રાખી સ્પેશ્યલ કવર રાખવામાં આવ્યા હતા. આવા 300 જેટલા કવર આવ્યા હોય એ કવર હાલ ખલાસ થઈ ગયા છે. પોસ્ટ માસ્તરના કહેવા મુજબ અંદાજે પોસ્ટમાં બહેનોએ 3 હજાર રાખડીઓ ભાઈઓને મોકલવા આપી હોય એ તમામની ડિલિવરી થઈ ગઈ છે.