50 લાખ સુધીના કામોને ચીફ ઓફીસર કક્ષાએ તાંત્રિક મંજુરી મળી મોરબી : મોરબીમાં હજુ વરસાદ જોઈએ તેવો પડ્યો નથી. પણ જેટલો વરસાદ પડ્યો એટલા વરસાદમાં માર્ગોની સાથે તંત્રની આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હતું. એટલે વારાફરતી બે-ત્રણ ઇંચ વરસાદમાં મોટાભાગના માર્ગો ચાલવા યોગ્ય રહ્યા નથી. ખાડા એટલા મોટા હોય કે વાહનો ચાલતી વખતે કથ્થક નૃત્ય કરતા હોય એવું લાગે છે. ત્યારે હવે કેટલાક માર્ગોનું નિવીનીકરણ કરવાની નગરપાલિકા તંત્રને ડહાપણની દાઢ ફૂટી છે. જો કે હજુ ચોમાસુ ચાલુ હોય એટલે અત્યારે માર્ગોની રીપેરીંગ કે નવીનીકરણ અસ્થાને છે. એટલે ચોમાસા પછી માર્ગોનું નવીનીકરણ થવાના ઉજળા સંજોગોના સંકેત મળ્યા છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે, માર્ગોની હાલત સુધરવાનું કામ હજુ હાથ ઉપર લેવામાં આવ્યું છે અને મોરબીના વિવિધ વિસ્તારોમાં 13 જેટલા નવા સીસીરોડ બનાવવા માટે હાલ તાંત્રિક મજુરી આપી દેવામાં આવી છે. જો કે આ 50 લાખ સુધીના કામો હોય જે ચીફ ઓફિસર કક્ષાએથી મંજૂરી મળી જતી હોવાથી આ માર્ગોને ચોમાસા પછી નવા સીસીરોડ બનાવવામાં આવશે. જેમાં માધવ પાર્ક સીસીરોડ, ગોકુલનગર સીસીરોડ, ચિત્રકૂટ ટોકીઝથી સુપર ટોકીઝ સુધી સીસીરોડ, ચિત્રકૂટ સીનેમાંથી જુના મહાજન ચોક સુધી સીસીરોડ, વિજય પાનથી હાઉસિંગ બોર્ડ સુધી સીસીરોડ, પોસ્ટ ઓફિસથી ચામુંડા મોબાઈલ સુધી સીસીરોડ, ચામુંડા મોબાઈલથી કલેક્ટર ઓફીસ સુધી સીસીરોડ, મયુર સોસાયટીથી હાઉસિંગ બોર્ડ સુધી સીસીરોડ, આલાપ સોસાયટીથી લીલાપર સ્મશાન સુધી સીસીરોડ, સંતોષ મોબાઈલથી મનોજ પાન સુધી સીસીરોડ, નવલખી બાયપાસથી કેસરિયા હનુમાનજી સુધી સીસીરોડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડથી રવજીભાઈના ઘર સુધી સીસીરોડ બનશે. આ રોડ ભારેખમ ટ્રાફિક ધરાવતા મહત્વના રોડ છે. એટલે હાલ ખખડધજ હોય અને નવા સીસીરોડ બનશે તો લોકોને ચોક્કસથી ફાયદો થશે. પણ નગરપાલિકા દરેક વખતે કામોમાં આંરભે શુરી અને અંતે અધૂરી જેવી સ્થિતિ છે. એટલે ચોમાસા પછી યોગ્ય સમયે ગુણવત્તા સાથે માર્ગો બને તો લોકોને મોટી રાહત થશે.