મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા રાત્રીના સફાઈ કામગીરી ચાલી રહેલ છે તે શહેરને ગંદકી મુક્ત કરવાનો એક સારો પ્રયાસ છે પરંતુ રાત્રી સફાઈ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, મોરબીમાં રાત્રીના ચાલતી સફાઈ કામગીરીમાં માણસો પૂરા હોતા નથી ખોટી હાજરી પૂરવા માં આવેછે અને વઘુ માણસો બતાવવાનો પ્રયાસ કરવા માં આવે છે. નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવામાં આવે છે એજ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાનું પણ જણાવાયું છે. વધુમાં કચરા ભરવાના કામમાં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે એ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે. સાથે જ રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારોના હાજરી પાસ પણ આપવામાં આવતા નથી. સવારે જે પટાવાળા પાલિકામાં કામ કરે છે એ જ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે તો આ શુ એક મોટો ભ્રષ્ટાચાર નથી ? આમ મોરબી નગર પાલિકાના જવાબદાર અઘિકારીઓ આવા ભ્રષ્ટાચારથી અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે તેવા સવાલ ઉઠાવી જો ખરેખર આ બાબત તપાસ કરવામાં આવે તો રાત્રી સફાઈ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવશે તેવું જણાવ્યું હતું. અંતમાં નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર રાત્રી સફાઈ બાબતે સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લે તેવી માંગ કરી ચૂંટાયેલા સદસ્યની જેમ તેઓ પણ આ સફાઈ કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારની ભાગ બટાઈના ભાગીદાર છે કે કેમ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી તેમજ તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીની પ્રેસ યાદીમાં જણાવાયું છે.