ડંપીગ સાઇટ ઉપર ઠલવવાને બદલે અધવચ્ચે કચરો ઠાલવી દેતા સ્થાનિકોને હાલાકી મોરબી : મોરબી નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. નગરપાલિકાના વાહનો કચરા કલેક્શન કરી આ કચરો રફાળેશ્વર પાસે ડંપીગ સાઇટ ઉપર ઠાલવવાને બદલે જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા હોવાની વધુ એક ફરિયાદમાં પાલિકાના સ્ટાફે આળસવૃત્તિ દાખવી ગતરાત્રે જુના રફાળેશ્વર રોડ પર માળીયા વનાળિયા પાસે કચરા ઢગલા ખડકી દીધા હોવાનું સામે આવ્યું છે. મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં નગરપાલિકાના કચરા કલેક્શન વાહને ગત મોડી રાત્રે કચરાના ઢગલા ખડકી દીધા હતા. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, બીજી જગ્યાએથી નગરપાલિકાના કચરા કલેક્શન વાહનો કચરો ભેગો કરી અહીંથી પસાર થતી વખતે બધો જ કચરો અહીં ઠાલવી દીધો છે. જો કે નગરપાલિકાના કચરા કલેક્શન વાહનોએ શહેરભરમાંથી કચરો એકઠો કરી રફાળેશ્વર પાસે આવેલ ડંપીગ સાઇટ ઉપર કચરો નાખવાનો હોય છે. તેના બદલે નગરપાલિકાના સ્ટાફે મનમાની ચલાવી જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં કચરો નાખી દેતા ભારે ગંદકી થવાથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી છે. જો કે નગરપાલિકાના કચરા કલેક્શન સ્ટાફની આવી બેદરકારીની અનેક વખત ઘટનાઓ સામે આવે છે. પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે નગરપાલિકાના કચરા કલેક્શન સ્ટાફ મનમાની ચલાવી રહયા હોય પગલાં ભરવા માળીયા વનાળિયા વિસ્તારના લોકોએ માંગણી ઉઠાવી છે.