મોરબીના રફળેશ્વરથી જોધપર નદી વચ્ચેના રોડ સહિતના હાઇવે ઉપર રોજિંદી સમસ્યા મોરબી : મોરબી હાઇવે સહિતના ગ્રામ્ય વિસ્તારના રોડ ભારે વાહનોની મનમાની સામે કોઈ કાર્યવાહી ન કરાતા આવા ભારે વાહનો બેફામ બનીને જાહેર હિતને નુકશાન પહોંચાડી રહ્યા છે. જેમાં મોરબીના રફળેશ્વરથી જોધપર નદી વચ્ચેના રોડ ઉપર ટ્રકમાં તાળપત્રી વ્યવસ્થિત રીતે બાંધી ન હોય કચરો સતત નીચે પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોરબીના રફળેશ્વરથી જોધપર નદી વચ્ચેના રોડ ઉપર એક ટ્રક વેસ્ટેજ કચરો ભરીને પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ અંગેનો જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ છે કે ટ્રક ચાલકની ભારે બેદરકારીને કારણે ટ્રક પાછળથી સતત કચરો નીચે પડી રહ્યો છે. જેમ જેમ ટ્રક ઝડપે પસાર થઈ રહ્યો હોય એવી ઝડપથી જ ટ્રકમાંથી પવનને કારણે કચરો ઉડીને નીચે પડી રહ્યો છે. ઉપરાંત ટ્રક ઉપર તાળપત્રી ઢાંકવામાં આવી છે. પણ આ તાળપત્રી વ્યવસ્થિત બાંધી ન હોય ટ્રક પાછળથી પવનને કારણે તાળપત્રી ઉડીને એમાંથી નીચે સતત રોડ ઉપર કચરો ઠલવાય છે. આ રફ રોડ ઉપર ટ્રકમાંથી માલ નીચે પડતા પાછળ આવતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.