હોલસેલ માર્કેટમાં ટમેટાના ભાવ ઘટીને 300થી 500 રૂપિયે મણ, બટેટા 300, રીંગણા 420 અને કોથમરી 400 રૂપિયા મણ મોરબી : એક મહિના કરતા વધુ સમય સુધી ટમેટા સહિતના શાકભાજીના ભાવે ટીચકું ચડાવ્યા બાદ અંતે વરાપ વચ્ચે બજારમાં રીંગણા, બટેટા, ટમેટા હયડ હયડ થવા લાગ્યા છે અને હોલસેલ માર્કેટમાં ટમેટાના ભાવ ઘટીને 300થી 500 રૂપિયે મણ, બટેટા 300, રીંગણા 420 અને કોથમરી 400 રૂપિયા મણ વેચાઈ રહી છે. ઓણસાલ ભારે વરસાદ બાદ ટમેટા કોથમીર, ગુવાર, ભીંડો, બટાટા અને ડુંગળી સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓને મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ લાંબી વરાપ નીકળતા જ હવે બજારમાં શાકભાજીના ઢગલા થવા લાગ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યાંથી શાકભાજી સપ્લાય થાય છે તેવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમામ શાકભાજીની ધૂમ આવક વચ્ચે હોલસેલ માર્કેટમાં ટમેટાના ભાવ ઘટીને 300થી 500 રૂપિયે મણ, બટેટા 300, રીંગણા 420 અને કોથમરી 400 રૂપિયા મણ સુધી પહોંચી જતા છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનાર દિવસોમાં હજુ પણ લીલા શાકભાજી સસ્તા થવાના અણસાર મળી રહ્યા છે.