મહેન્દ્રનગર ચોકડી પાસે ટાયરની દુકાનમાંથી ચોરીના બનાવનો એલસીબીએ થોડા દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યોમોરબી : મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ટાયર-ટ્યુબની દુકાનમાંથી અજાણી યુવતીએ વેપારીની નજર ચુકવી 3.30 લાખ રૂપિયા રોકડા ભરેલો થેલો લઈ છનનન થઇ જતા પાંચેક દિવસ પૂર્વેની આ ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ ગણતરીના કલાકોમાં જ આ બનાવનો ભેદ ઉકેલી નાંખયાનું જાહેર કર્યું છે અને આરોપી યુવતીને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધી હતી.મોરબી મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ ઉપર પટેલ ટાયર હબ નામની દુકાન ધરાવતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા શનાળા રોડ, રૂદ્રાભિષેક એપાર્ટમેન્ટ નામના વેપારીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેઓ ટાયર ગોઠવતા હતા ત્યારે એક અજાણી યુવતી આવી હતી અને દુકાનના ટેબલ ઉપર પડેલા રોકડ રકમનો થેલો લઈ નાસી ગઈ હતી. વધુમાં આ થેલામાં રોકડા રૂપિયા 3.30 લાખ હોવાનું તેઓએ જાહેર કરતા સીટી બી ડિવિઝન પોલીસે ચોરીની આ ઘટના અંગે ગુન્હો નોંધી તપાસની ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવનો એલસીબીએ ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું એલસીબીના જણાવ્યા મુજબ અજાણી યુવતીએ વેપારીની નજર ચૂકવી દુકાનના ટેબલના ખાનામાંથી રૂ.3.30 લાખ ઉઠાવીને ફરાર થઇ ગઇ હતી. એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ચોરી કરનાર યુવતી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની ખબર પડતાં પોલીસે ત્યાં પહોંચીને આ યુવતી સપનાબેન બચુભાઈ ચાડમિયા ઉ.વ.22 રહે મૂળ જામનગર કાલાવડ હાલ રહે મોરબી હળવદ રોડ ખુલ્લામાંને તમામ ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધી હતી.