મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન ભીમે શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ, બ્રહચોર્યાસી, છત્રપુજા સહિતના કાર્યકમો વર્ષોથી યોજાઈ છે ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામથી રાજાવડ ડેમી -૨ ઉપર જવાના રસ્તે આવેલ ભીમનાથ મહાદેવનું આશરે પાંચ હજાર વર્ષ પુરાણું શિવમંદિર આવેલ છે. લોકવાયકા મુજબ પાંચ પાંડવો પૈકીના શિવલીંગની સ્થાપના ભીમસેનના હાથે કરવામા આવેલ હતી. જેથી, આ શિવલીંગનું નામ ‘શ્રી ભીમનાથ મહાદેવ’ રાખવામા આવેલ છે. સૈકાઓ પુર્વેનો ઢંકપુર વિસ્તાર જે હાલ ટંકારાથી ઓળખાઈ છે ત્યાં મોરબી હાઈવે પર વસેલા લજાઈ ગામના વનવગડામાં આવેલ ભવ્યાતિભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં સોમપુરી કલાના એક અદભૂત નમૂનારૂપે સુંદર કલાત્મક મંદિર શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ભીમે વનવાસ વખતે કરી હોવાથી આ મંદિરનું નામ ભીમનાથ મંદિર પાડવામાં આવ્યું હતું. ભીમને શિવ દર્શન બાદ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા હોય ભીમે અહીં પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી પૂજન અર્ચન કરી મહાદેવની પુજા કરી હોવાની લોકવાયકા છે. ભીમનાથ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત જગ્યામા સોમદતબાપા (સુરેશભાઈ સોની) તપ જપ સંચાલન અને સેવાઓ કરે છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે. નારાયણ ભગત (બ્રહ્મચારી) અહી આવતા ભુખ્યાને ભરપેટ ભોજન કરાવે છે. લજાઈ ગામ અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો અને શિવ ભક્તો અહીં નિત્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. જો કે આ વર્ષે પણ હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ, બ્રહચોર્યાસી સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે. ભાવિકો દર્શનની સાથે આ કાર્યક્રમોનો લાભ લઇ રહ્યા છે. મંદિરના કિનારે ડેમી-૨ ડેમ આવેલો છે અને પટાંગણમાં દતમહારાજનો દરબાર પણ છે. સાથો સાથ હજારો વર્ષ પુરાણો વડલો જ્યા અનેક સાધુ સંતો તપસ્યા કરી ગયા એ સ્થાન અને ધુણો પણ આવેલ છે. મંદિર નજીક ચોસઠ જોગણી માતાજીનું સ્થાન અને જોગઆશ્રમ જ્યા જોગબાપુ રોકાયા એ જગ્યા પણ નજીકમાં આવેલી હોય શ્રાવણમાસમાં અહીં ભાવિકોની ભીડ ઉમટે છે.