હળવદ : હળવદ શહેરમાં ઘેટાં ચરાવી રોડ ઉપર આવી રહેલા માલધારી યુવાને સામેથી પુરપાટ ઝડપે ગાડી ચલાવીને આવતા શખ્સને ધ્યાન રાખીને ગાડી ધીમે ચલાવવાનું કહેતા માથાભારે ઇસમે માલધારી યુવાનની લાકડી પડાવી લઈ માર મારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ જાલાભાઇ ગમારા પોતાના ઘેટાં સીમમાંથી ચરાવી પરત આવતા હતા ત્યારે જીવરાજ પાર્ક જવાના રસ્તે આરોપી પ્રભાત ઉર્ફે ટેંગો લક્ષ્મણભાઇ કોળી પુરપાટ ઝડપે પોતાની ગાડી લઈને આવતો હોવાથી ફરિયાદી ગોપાલભાઈએ ગાડી ધીમે ચલાવવાનું કહેતા આરોપી પ્રભાત ઉર્ફે ટેંગો એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગોપાલભાઈની લાકડી પડાવી લઈ કાન ઉપર મારી દેતા આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.