દુકાનદારો સપ્ટેમ્બર માસનો માલ નહિ ઉપાડે : કલેકટરને પાઠવ્યું આવેદન મોરબી : જરૂરિયાતમંદોની જન્માષ્ટમી બગડે તેવા એંધાણ મળી રહ્યા છે. કારણકે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અસહકાર આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં દુકાનદારો સપ્ટેમ્બર મહિનાનો ગ્રાહકને વિતરણ કરવાનો થતો માલ જ નહીં ઉપાડે. મોરબી જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા કલેકટરને અનેક પ્રશ્નો અને માગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો રાજ્ય સરકારને કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠકો પણ કરવામાં આવી છે. જે બાબતે પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમિટમેન્ટ કરવામાં આવેલું તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓ ન સ્વીકારવામાં આવી નથી. માટે ડિલરો સપ્ટેમ્બર મહિનામાં અનાજનો જથ્થો નહીં ઉતારે.