ચંદ્રયાન-3 બુધવારે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે મોરબી : ચંદ્રયાન-3 બુધવારે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. ઈસરોએ જણાવ્યું કે મિશન સાંજે 6 વાગ્યાને 4 મિનિટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ પહેલા ચંદ્રયાન-3 મિશને આજે જ સફળતાપૂર્વક અંતિમ ડીબૂસ્ટિંગનો તબક્કો પૂર્ણ કરી લીધો છે, જે બાદ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી માત્ર 25 કિલોમીટર જ દૂર છે. ઈસરોએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. ઈસરોએ જણાવ્યું કે હવે લેન્ડર મૉડ્યૂલની આંતરિક તપાસ થશે અને ચંદ્ર પર ઉતરવાની નક્કી થયેલી સાઈટ પર હવે ફક્ત સૂરજ ઉગે તેની રાહ જોવામાં આવી રહી છે. ઈસરોએ જણાવ્યું હતું કે લેન્ડર મોડ્યૂલ 23 ઓગસ્ટ, 2023નાં રોજ સાંજે 5-45 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. જો કે હવે તેના લેન્ડિંગ માટેની નવી તારીખ અને સમય બહાર પાડવામાં આવ્યા છે. ઈસરોએ આજે રવિવારે કહ્યું કે આ ઉપલબ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, પ્રોદ્યોગિક અને ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન સાબિત થશે. આ અંતરિક્ષ અન્વેષણાં ભારતની પ્રગતિનો પ્રતીક હશે. ચંદ્રયાન-3 બુધવારે એટલે કે 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરશે. જેને લઈને સમગ્ર દેશવાસીઓ મીટ માંડીને બેઠા છે. આશા ભરેલી નજરે આ ઐતિહાસિક દ્રશ્યોને લાઈવ જોવા માગે છે. વધુમાં ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3 બુધવારે સાંજે છ વાગ્યાને ચાર મિનિટે ચંદ્ર પર ઉતરશે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમનું સીધું પ્રસારણ 23 ઓગસ્ટ 2023નાં રોજ ભારતીય સમય મુજબ સાંજે 5-27 વાગ્યાથી જ શરુ થઈ જશે.સોફ્ટ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ ઈસરોની વેબસાઈટ ઉપરાંત ઇસરોની યૂટ્યૂબ ચેનલ, ફેસબુક પેજ પર થશે. આ ઉપરાંત ડીડી નેશનલ ટીવી ચેનલ સહિત અનેક જગ્યાએથી આ ઐતિહાસિક દ્રશ્યો લાઈવ જોઈ શકાશે.