રવાપર વિસ્તારની બાંધકામ સાઇટો ઉપર ડેંગ્યુનો વધુ ફેલાવો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલમાં 17 અને ખાનગી હોસ્પિટલોમા 99 ડેવ્યુંના કેસો નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી ઋતુમાં ગંદકીને કારણે રોગચાળો વધુ વકરતો હોય છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાય રહેવાથી ડેંગ્યુના મરછરોનો ઉત્પાત વધ્યો છે. જેના કારણે અત્યારે મોરબી જિલ્લામાં ડેંગ્યુએ ફુફાડો માર્યો છે. સાંજ પડે ને ડેંગ્યુના મચ્છરોની સેના ઉતરી પડીને આક્રમણ કરે છે. અને મચ્છરો સતત ડંખ મારતા હોવાથી મોરબી જિલ્લામાં ડેંગ્યુના કેસોમાં ઉછાળો આવ્યો છે. જો કે ડેંગ્યુના સૌથી વધુ કેસો સરકારી હોસ્પિટલો કરતા ખાનગી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં ડેંગ્યુનો જબરજસ્ત ઉછાળો આવતા આરોગ્ય તંત્રને હવે નક્કર કામગીરી કરવાનો સમય પાકી ગયો છે. મોરબી જિલ્લામાં ડેંગ્યુના કેસ ધીમેધીમે વધી રહ્યા છે. જેમાં ડેંગ્યુના કેસોના સતાવાર આંકડા ઉપર નજર નાખીએ તો જાન્યુઆરીથી જુલાઈ માસ દરમિયાન સરકારી હોસ્પિટલમાં 14 અને ખાનગી હોસ્પિટલોમા 54 કેસ હતા. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરકારી ચોપડે ડેંગ્યુના 3 કેસ અને ખાનગી હોસ્પિટલોમા 45 કેસો નોંધાયા છે. એટલે આ આંકડાના તફાવત પરથી સ્પષ્ટપણે તારણ નીકળે કે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ઓછા અને એકલા ઓગસ્ટ મહિનામાં ડેંગ્યુના કેસો વધ્યા છે.આમ સાત મહિનામાં 54 કેસ અને માત્ર 15 દિવસમાં 45 કેસો નોંધાતા ડેંગ્યુનો આંતક વધ્યો હોવાનું સામે આવે છે.ત્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોના આંકડા પર નજર કરી તો સરકારી હોસ્પિટલમાં કુલ 17 અને ખાનગી હોસ્પિટલમાં 99 કેસ નોંધાયા છે. જો કે જે ખાનગી હોસ્પિટલમાં 99 કેસ નોંધાયા છે તે મોટી મોટી હોસ્પિટલોના જ આંકડા છે. નાના દવાખાનાના કેસ તો સામે આવ્યા જ નથી. એટલે ડેંગ્યુનો આક બહુ જ ચોકવનારો હોઈ શકે છે. જ્યારે સૌથી વધુ કેસો રવાપર બાજુની બાઈકામ સાઇટોમાં જોવા મળ્યા છે. આ બાંધકામ સાઇટ ઉપર સ્વચ્છ પાણી ભરેલા હોય મજૂરોમાં ડેંગ્યુનું વધુ પ્રમાણ જોવા મળે છે. જિલ્લા આરોગ્ય અધિકારી શુ કહે છે ? જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવેએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં ડેંગ્યુના કેસ સામે આવે છે તે વિસ્તારોમાં અને ગામોમાં તપાસ કરવામાં આવે છે. હાલ ડેંગ્યુ મામલે જિલ્લામાં સર્વે ચાલુ છે અને સ્ટાફ હાલ ફિલ્ડમાં હોય યોગ્ય કામ કરી રહ્યાનો દાવો કર્યો છે. જ્યાં પણ ડેંગ્યુના લારવા કે પોરા જોવા મળે તો તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહ્યાની અને સ્વચ્છ પાણીમાં ડેંગ્યુના મચ્છરો હોવાથી લોકોને પણ સ્વચ્છ પાણી ભરેલું ન રાખવાની અને જો પાણી ખુલ્લું હોય તો તેને ઢાંકીને રાખવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા તાકીદ કરી છે.