ઇસરોએ ચંદ્ર ઉપરની નવી તસવીરો શેર કરી https://youtu.be/Kt9NxpXUHzs?si=c8gl8iiIhpYD4iiB મોરબી : ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલને ડીબૂસ્ટ કરવાની પ્રથમ પ્રક્રિયા સફળ રહી છે અને હવે તે ચંદ્રથી માત્ર 113 કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે. ઈસરોએ શુક્રવારે કહ્યું કે, લેન્ડર મોડ્યુલ સંપૂર્ણપણે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તેના પર લાગેલા કેમેરાએ ચંદ્રની નજીકની બાજુથી લીધેલા ફોટોઝ પણ મોકલ્યા છે જેથી હવે ટૂંક સમયમાં જ વૈજ્ઞાનિકો ચાંદામામાના અનેક રહસ્યોનો અભ્યાસ કરી શકશે. પ્રથમ સફળ ડિબૂસ્ટિંગ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સમાવેશ કરતું સંપૂર્ણ મોડ્યુલ હવે ચંદ્રથી મહત્તમ 157 કિમીના અંતર સાથે ભ્રમણકક્ષામાં છે. બીજું ડીબૂસ્ટિંગ 19-20 ઓગસ્ટની મધ્યરાત્રિએ સવારે 2 વાગ્યે થશે. 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થશે. ઉલ્લેખનીય છે કે, 35 દિવસની અવકાશ યાત્રા બાદ ગુરુવારે લેન્ડરને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતું. સોફ્ટ લેન્ડિંગ પછી રોવર બહાર આવશેસોફ્ટ લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર પ્રજ્ઞાન વિક્રમમાંથી બહાર નીકળશે અને એક ચંદ્ર દિવસ (14 પૃથ્વી દિવસ)ના સમયગાળા માટે સપાટી પર પ્રયોગો કરશે.100 મીટરની ઉંચાઈથી સપાટીને સ્કેન કરશે, પછી સોફ્ટ લેન્ડિંગ થશે ISRO અનુસાર, લગભગ 30 કિમીની ઊંચાઈએ, લેન્ડર પાવર્ડ બ્રેકિંગ તબક્કામાં પ્રવેશ કરે છે અને ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે તેના થ્રસ્ટર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. એકવાર તે લગભગ 100 મીટરની ઉંચાઈએ પહોંચે પછી, લેન્ડર કોઈપણ અવરોધો માટે સપાટીને સ્કેન કરશે. તે પછી તે સોફ્ટ લેન્ડિંગ માટે નીચે ઉતરવાનું શરૂ કરશે. નોંધનીય છે કે, ઈસરોએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ચંદ્રની સપાટીનો નવો વીડિયો ગઈકાલે શેર કર્યો હતો. આ વીડિયો બનાવ્યો છે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા LPDC સેન્સરે. અસલમાં આ એક કેમેરો છે, જેનું આખું નામ છે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા વિક્રમ લેન્ડરના નીચલા ભાગમાં લાગેલા છે. આ એટલા માટે લગાડવામાં આવ્યા છે કે વિક્રમ લેન્ડિંગ માટે યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે. આ કેમેરાની મદદથી એ જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ઉબડ ખાબડ જગ્યા પર લેન્ડ તો નથી કરી રહ્યું ને કે કોઈ ખાડા એટલે કે ક્રેટરમાં તો નથી જઈ રહ્યું ને. આ કેમેરાને લેન્ડિંગથી થોડા સમય પહેલા ઓન કરવામાં આવી શકે છે. કેમકે હાલ જે તસવીર આવી છે તેને જોઈને લાગે છે કે આ કેમેરો ટ્રાયલ માટે ઓન કરાયો હતો. કે જેથી તસવીર કે વીડિયોથી તે ખ્યાલ મેળવી શકાય કે તે કેટલું યોગ્ય રીતે કામ કરી શકે છે. ચંદ્રયાન-2માં પણ આ સેન્સરનો ઉપયોગ કરાયો હતો, તે પણ યોગ્ય રીતે જ કામ કરતું હતું.