મોરબી : 'જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ કહેવતને ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે ચરિતાર્થ કરી રહ્યા છે. આવી જ રીતે મૂળ મોરબીના અને અન્ય ગુજરાતીઓ દ્વારા યુએસએની પારસીપેની ટાઉનશીપમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી જાણે પોતે ભારતમાં હોય તેવી પ્રતીતિ કરી હતી. યુએસએના ન્યુજર્સી સ્ટેટમાં પારસીપેની ટાઇનશીપ આવેલ છે. જેની વસ્તી 60 હજાર આસપાસ છે. અહીં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્યાંના મેયર જે.એમ.બારબરીયો, ભારત-અમેરિકાના સિનિયર મેમ્બર્સ, સનાતની હિન્દૂ ટેમ્પલ, કનૈયાધામ, ઇસ્કોન ટેમ્પલ, વ્રજધામના આગેવાનો તેમજ ચેરમેન રજની પટેલ અને જીગર શાહ સહિતના જોડાયા હતા. આ વેળાએ સૌએ ધ્વજ લહેરાવી સલામી આપી હતી. સાથે રાષ્ટ્રગાન પણ કર્યું હતું. તેમ મૂળ ખાખરેચી ગામના ગુણવંતભાઈ આરદેશણાની યાદી જણાવે છે.