મોરબી : ૨૦૦૦ રૂપિયાની મોટાભાગની ચલણી નોટો હવે બેંકોમાં પાછી આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ૩૧ જુલાઈ સુધી બેંકોમાં ૩.૧૪ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરવામાં આવી હતી કે પછી બદલી કરવામાં આવી હતી. બજારમાં જાહેર કરાયેલી કુલ નોટોમાંથી ૮૮ ટકા બેંકોમાં પાછી આવી છે. ખાસ વાત એ છે કે સામાન્ય કે નાના માણસોની જગ્યાએ બિઝનેસમેન લોકોએ ૨૦૦૦ રૂપિયાની વધુ નોટો જમા અને બદલી કરાવી રહ્યા છે. દેશની ત્રણ બેંકોમાં મળેલી ૨૦૦૦ રૂપિયાની નોટોના આંકડા પરથી આ વાત જાણવા મળી છે. સામાન્ય માણસે નોટો બેંકોમાં જમા કરાવવાને બદલે વધુ બદલી કરાવી છે. ચાલુ વર્ષે ૧૯ મેના રોજ ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકોને મળેલી કુલ રૂ. ૨૦૦૦ની નોટોમાંથી ૮૭ ટકા ડિપોઝીટ દ્વારા જયારે ૧૩ ટકા એક્સચેન્જ દ્વારા આવી હતી. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇને સૌથી વધુ ૨૦૦૦ રૂપિયાની નોટો મળી છે. એસબીઆઇમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની નોટો જમા કરવામાં આવી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં રૂ. ૩,૫૮૯ કરોડના મૂલ્યની રૂ. ૨,૦૦૦ની નોટો જમા કે બદલી કરવામાં આવી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એમડી અને સીઇઓ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમારી પાસે ૪૦ ટકા નોટો બિઝનેસમાંથી આવી છે. નાના વેપારીઓનો આમાં વધુ હિસ્સો છે. યુકો બેંકે કહ્યું હતું કે તેને ૩૧ જુલાઈ સુધી ૩,૪૭૧ કરોડ રૂપિયાના મૂલ્યની ૨,૦૦૦ રૂપિયાની નોટો મળી છે. બેંકના એમડી અને સીઇઓ અશ્વની કુમારે કહ્યું કે અમને સામાન્ય માણસ પાસેથી ૪૨ ટકા રૂ. ૨,૦૦૦ની નોટો મળી છે, જયારે ૫૮ ટકા વેપારીઓ દ્વારા જમા કે બદલી કરવામાં આવી છે. સિટી યુનિયન બેંકમાં રૂ. ૩૮૦ કરોડના મૂલ્યની રૂ. ૨૦૦૦ની નોટો જમા કે બદલી કરવામાં આવી છે. બેંકના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બેંકને ૨૦૦૦ રૂપિયાની લગભગ ૯૦ ટકા નોટો બિઝનેસમાંથી મળી છે. અન્ય સરકારી બેંકના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ૨,૦૦૦ રૂપિયાની મોટાભાગની નોટો વેપારીઓ દ્વારા જમા કરવામાં આવી હતી.