મોરબી : એસોસિએશન ઓફ પીડિયાટ્રીશિયનના પ્રમુખ ડો. હસમુખ સવસાણી (કિલ્લોલ હોસ્પિટલ ) અને સેક્રેટરી ડો. ભાવેશ પરમાર (ધ્રુવ હોસ્પિટલ) દ્વારા મોરબીના વાલીઓની જાગૃતિ માટે સોનેરી સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે શાળાનું ભણતર બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે. પરંતુ, હાલમાં મોટાભાગની સ્કૂલમાં બાળકોના સ્કૂલ બેગનું વજન, બાળકની ઉપાડવાની ક્ષમતા કરતા વધુ હોય છે. આને લીધે બાળકોમાં શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય છે. બેગના વધારે વજનથી થતી તકલીફો • બેગના વધારે વજનથી બાળક આગળ નમીને ચાલે છે. • બેગના વધારે પડતા વજનને કારણે ખભાના હાડકા અને કરોડરજ્જુ પર દબાણ આવે છે. આના લીધે કરોડરજ્જુ વાંકા વળી જવાથી શરીર બેડોળ લાગે છે. • બેગ ખભે ચડાવવામાં અને ઉતારવામાં તકલીફ પડે છે. • ખભાનો દુખાવો, ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, માનસિક તકલીફો, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. બાળકોમાં ધોરણ પ્રમાણે સ્કુલ બેગનું આદર્શ વજન સ્કૂલ બેગ પોલિસી 2020 પ્રમાણે ધોરણ 1 થી 10 સુધી, સ્કૂલબેગનું વજન વિદ્યાર્થીઓના કુલ શરીરના વજનના 10% કરતા વધુ ન હોવું જોઈએ. તે પ્રમાણે જોઈએ તો આશરે: 1થી 2 ધોરણ માટે 1.6 to 2.2 kg 3 થી 5 ધોરણ માટે 1.7 to 2.5 kg 6 થી 7 ધોરણ માટે 2 to 3 kg 8માં ધોરણ માટે 2.5 to 4 kg 9 થી 10 ધોરણ માટે 2.5 to 4.5 kg 10 થી 12 ધોરણ માટે 3 to 5 kg આદર્શ બેગ કેવું હોવું જોઈએ? • બેગ ના પટ્ટા પહોળા અને મજબૂત હોવા જોઈએ. • બેગમાં ખભા અને કમરના ભાગે ગાદી હોવી જોઈએ. • બેગ બને ખભા ઉપર વ્યવસ્થિત ફિટ થવું જોઈએ. • બેગ નીચેથી પહોળું હોવું જોઈએ. • ખભાના પટ્ટા સિવાય એક કમર બેલ્ટ પણ હોવો જોઈએ, જે ખભા પર આવતા વજનને ઓછું કરે છે. વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો • ખાલી સ્કૂલ બેગનું વજન ઓછું હોય તેવી બેગ પસંદ કરવી. • પોતાના બાળકનું બેગ દરરોજ સ્કૂલે જતાં પહેલા ચકાસવું જોઈએ અને વધારાના પુસ્તકો અને વધારાની વસ્તુઓ કાઢી નાખવી. • જો સ્કૂલેથી પાણી મળી રહેતું હોય તો પાણીની બોટલ સાથે ન આપવી. • સ્કૂલે મૂકવા જતી વખતે બાળકને ખભા પર બેગ ન ટિંગાળવું, પોતે લઈ લેવું. • બાળકોની યોગ્ય કસરત કરાવવાની ટેવ પાડવી. સ્કૂલ માટે સૂચનો • સ્કૂલમાં મિનરલ વોટરની સુવિધા રાખવી. • ક્યારેક જરૂર પડે એવા પુસ્તકો બાળકોને સ્કૂલે જ રાખવા દેવા જેમ કે ચિત્રકલા, કોમ્પ્યુટર ની બુક. • પિરિયડ એ રીતે ગોઠવવા કે બાળકોને બને એટલા ઓછા પુસ્તકો લઈ આવવા પડે. • બની શકે તો વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનો બે સેટ રખાવવા. આથી એક સેટ સ્કૂલે રાખી શકે અને ઘરેથી ઉપાડીને લઈ આવવાની જરૂર ના પડે. • શાળાએ બાળકોને લોકર આપવા જોઈએ. • શિક્ષકોએ દર ત્રણ મહિને બેગની તપાસ કરવી જોઈએ. • ક્લાસ બુક સ્કૂલમાં રાખી શકાય તેવી વ્યવસ્થા કરી શકાય. • સ્કૂલ ડાયરી દરરોજ લઈ જવાની હોય છે, તે પાતળી કરી શકાય કારણ કે તે મોટેભાગે ખાલી જ રહેતી હોય છે. એપ્લિકેશન કે વોટ્સએપનો ઉપયોગ કરીને સ્કૂલ ડાયરી ટાળી શકાય. અંતમાં, ખાસ તો આ બાબત વિષે જાગૃતિ કેળવીએ અને વાલીઓ તથા શાળા સંચાલકો દ્વારા બને તેટલા પગલાં લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તેમ છે.