મોરબી : મોરબી જીલ્લાના હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શાળા હાઇસ્કુલ હરબટીયાળી ખાતે 77 માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગામના મહિલા સરપંચ સરોજબેન સંઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ બાદ અતિથિ વિશેષ તમામ પદાધિકારીઓને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આઝાદીના આ અવસરને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા, કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા, કન્યામાં કૌશલ્ય લક્ષી ક્ષમતા વિકસાવવા તથા મહિલા સશક્તિકરણના સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમના ભાગરૂપે આ શાળામાં ભણતી કન્યાઓ માટે અભ્યાસની સાથે સાથે પોતે આત્મનિર્ભર બને તે હેતુથી આ શાળાના પ્રવાસી શિક્ષિકા ક્રિષ્નાબેન પ્રેરિત સીવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળામાં દાતાઓ દ્વારા તૈયાર કરેલ સીવણ ક્લાસનું ઉદ્ઘાટન તમામ દાતાઓ અને મહેમાનોની હાજરીમાં ધારાસભ્ય દુર્લભજીભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે, ધારાસભ્ય દુર્લભજીભાઈએ સ્વતંત્ર પર્વ સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને શાળાની કામગીરીને બિરદાવી હતી.શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી અને પ્રાથમિક શાળાની બહેનોએ ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરેલા ગરબા તથા દેશભક્તિ ગીતોની કૃતિઓ રજૂ કરેલી હતી. સાથે સાથે સીવણ ક્લાસના દાતાઓમાં ભવન સાહેબ,રામજીભાઈ ચંડાટ, વસંતભાઈ માંડવીયા, અરજણભાઈ મૂછારા, છગનભાઈ, મુકેશભાઈ ડાકા ,ભાવેશભાઈ ચંડાટ, મહાદેવભાઇ ઢેઢી, અમરશીભાઈ મુછારા, મેઘજીભાઈ સંઘાણી, રાહુલભાઈ સંઘાણી, અને દર વર્ષે રાષ્ટ્રીય પર્વમાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતા નવનીતભાઈ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધો.9 અને 10 માં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં તેજસ્વી તારલાઓને હાઈસ્કુલ તરફથી શૈક્ષણિક કીટ આપીને તેઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, ભવનભાઈ ભાગ્યા, રામજીભાઈ ચંડાટ , વસંતભાઈ માંડવીયા, મહામંત્રી ગણેશભાઈ નમેરા, ગામના યુવા નેતા દેવરાજભાઈ સંઘાણી સહિત સરપંચ અને તમામ સભ્યો, ગ્રામ્યજનો ,આગેવાનો, પ્રાથમિક અને હાઈસ્કૂલના શાળાના બાળકો, અને તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસમતભાઈ તથા મહેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે 77 માં રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિતિ રહેનાર તમામ લોકોનો શાળા પરિવાર વતી સહ હૃદય પૂર્વક આભાર શ્રી હાઈસ્કુલ હરબટીયાળીના આચાર્ય આર. જે. મુછારાએ વ્યક્ત કર્યો હતો.