પવનચક્કીના સંચાલકોની દાદાગીરી સામે ખેડૂતે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ખેતરમાં ખાનગી કંપનીએ દાદાગીરી કરીને પવનચક્કીની વીજલાઇન પસાર કરવા માટે વિજપોલ ખડકી દીધાની ખેડૂતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી આ બાબતે જવાબદાર કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ટંકારાના નેકનામ ગામે રહેતા ખેડૂત કાંતિલાલ રામજીભાઈ દલસાણીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે, ટંકારાના નેકનામ ગામે આવેલી તેમની ખેતીલાયક જમીનમાં ખાનગી કંપનીએ કોઈપણ જાતની મંજૂરી વગર પવનચક્કી માટે વિજપોલ ઉભા કરી દીધા છે અને વિજલાઈન ચાલુ કરી નાખી છે. આથી ખેડૂતે કંપનીના માણસો તેમજ કોન્ટ્રાકટરને આ વિજપોલ હટાવવાનું કહ્યું હતું. પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી અને દાદાગીરી કરે છે. આથી તેમના ખેતરમાં મંજૂરી વગર વિજપોલ નાખી દેનાર કંપનીના માણસો તેમજ કંપનીના કોન્ટ્રાકટર સહિતના જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી છે.