રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટાઈપ એપ્રુઅલ વાળા વાહનોને માન્ય કંપનીઓની કીટ ફિટ કરવા છૂટઆપતા મોરબીમાં બે મહિનામાં જ અનેક વાહનોને સીએનજીની મંજૂરી મળી મોરબી : છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી સરકાર દ્વારા નવા બીએસ-6 પ્રકારના વાહનોમાં બજારમાંથી સીએનજી કીટ ફિટિંગને આરટીઓ માન્યતા આપવાનું બંધ કરી દેતા ગ્રાહકોને ફરજીયાત પણે કંપની ફિટિંગ સીએનજી વાહનો ખરીદવા પડતા હતા આ નિયમમાં કેન્દ્ર સરકારે છૂટ આપી માન્ય કંપનીઓની સીએનજી ફિટિંગ હોય તો આરટીઓ પાસિંગ કરવા લીલીઝંડી આપતા મોરબીમાં છેલ્લા બે મહિનામાં અનેક નવા વાહનોને આવી મંજૂરી મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નવા બીએસ-6 પ્રકારના વાહનોમાં સીએનજી કે એલપીજી ફિટિંગને માન્યતા આપવાનું બંધ કરતા અનેક વાહન ચાલકો ફરજિયાત પણે પેટ્રોલ વાહન ચલાવવા અથવા તો કંપની ફિટિંગ સીએનજી વાહનો યુઝ કરતા હતા જો કે, કેટલાક વાહનો આરટીઓ માન્યતા ન હોવા છતાં પણ ગુપચુપ રીતે પોતાના વાહનમાં સસ્તા ઇંધણના વિકલ્પ રૂપે સીએનજી કીટ ફિટ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે, આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ બીએસ-6 વાહનોમાં માન્ય કંપનીની સીએનજી કીટ ફિટ કરવાને મંજૂરી આપી છે. મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિતકુમાર પ્રજાપતિના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી કેન્દ્ર અને ગુજરાત સરકારના આદેશ મુજબ નવા બીએસ-6 પ્રકારના વાહનોને આરટીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે, સરકારના નિયમ મુજબ ટાઈપ એપ્રુઅલ વાળા વાહનો માન્ય કંપનીની સીએનજી કીટ ફિટ કરાવેલ હોય તેઓને આરટીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.