મોરબી : સરકારના કાયદા વિભાગના પરિપત્ર મુજબ સરકારે મોરબી જિલ્લા કોર્ટ ખાતે કુલ ૬ એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગ્યા ભરવા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. જે અન્વયે મોરબી જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં ૬ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે સને- ૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ- ૨૪ (૪) મુજબ તથા સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ- ૫ (૨) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. આથી, કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ- ૫ (૨) થી ઠરાવેલ જોગવાઇ અનુસાર જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય, તેઓ ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉમરના ના હોય અને તેઓ પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વની મુદત માટે આવકવેરા કરદાતા હોય તેવી લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ કચેરીની વેબસાઇટ-www.morbi.gujarat.gov.in પરથી તથા અત્રેની કચેરીએથી કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ, તથા ડિક્લેરેશન ફોર્મ (વિનામૂલ્યે)ની મેળવી, સંપૂર્ણ વિગતો ભરીને જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન સામેલ રાખીને અરજી ફોર્મ રજીસ્ટર્ડ પો.એડી અથવા રૂબરૂ “જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, જિ.મોરબી” ને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના ઉમેદવારે જાતિ અંગેની સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી અને જાતિ અંગેના સક્ષમ અધિકારીએ આપેલા પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સામેલ રાખવી. ઉક્ત ઉમેદવારોની પસંદગી બાદ ઉક્ત જગા ઉપર નિમણૂંક પામનાર ઉમેદવારને ધી ગુજરાત લૉ ઓફિસર્સ એપોઇન્ટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ રુલ્સ-૨૦૦૯ મુજબ ફી તેમજ અન્ય ભથ્થા મળશે.ઉમેદવારોએ આ બાબતે જ્યારે ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે. તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે.