બીઆરસી ભવન પાસે 11 જેટલા પરિવારો દ્વારા 25 વર્ષથી ગેરકાયદે કબજો કરી લેવાયો હતો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બીઆરસી ભવન નજીક 1972મા નિર્માણ થયેલા તાલુકા પંચાયતના જર્જરિત કવાટર્સમાં તાલુકા પંચાયતના જ 11 જેટલા નિવૃત કર્મચારી પરિવારો દ્વારા કબજો કરાયો હોય આજે ડીડીઓના માર્ગદર્શન હેઠળ ટીડીઓ અને તલાટી દ્વારા ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકની અનેક જમીન, ઇમારતો ઉપર ગેરકાયદે કબજા થયા હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર જિલ્લામાં પંચાયતની માલિકીની મિલકતો ઉપરથી કબજા દૂર કરવા પરિપત્ર જારી કરતા 24 કલાકમાં જ મોરબી ટીડીઓ કોટક દ્વારા તલાટી કમ મંત્રી અને સર્કલ ઓફિસરને સાથે રાખી મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ તાલુકા પંચાયતના વર્ષો જુના કવાટર્સ ખાલી કરાવી બુલડોઝર ફેરવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1972મા નિર્માણ થયેલા મોરબી તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ કવાટર્સમા છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી નિવૃત કર્મચારીઓ ઉપરાંત અન્ય લોકોએ દબાણ કર્યાનું ખુલ્યું છે. હાલમાં આ કિંમતી જમીન ઉપરથી દબાણ હટતા હવે અહીં તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર બનાવવા કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું અધિકારીક વર્તુળોએ જણાવ્યું હતું.