પેપરમિલો અને સીરામીક એકમોનો કેમિકલયુક્ત કદડો રફાળેશ્વર નજીક જાહેરમાં નિકાલ કરવાથી પ્રદુષિત પાણી મચ્છુ ડેમમાં ભળી જતું હોવાની કોંગી અગ્રણીની કલેક્ટરને રજુઆત મોરબી : મોરબીમાં આવેલ કેટલીક પેપરમિલો તથા સિરામિક એકમોનો કેમિકલયુક્ત કદડો રફાળેશ્વર નજીક સરકારી ખરાબાની જમીનમાં નિકાલ કરતા હોવાથી ચોમાસામાં અહીં અસહ્ય ગંદકી થતી હોવાની સાથે આ પ્રદુષિત પાણી મોરબીની જીવાદોરી મચ્છું-2 ડેમમાં ભળી જતું હોવાની ચોંકાવનારી ફરિયાદ કોંગ્રેસ અગ્રણી દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ કલેક્ટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે મોરબી આસપાસ આવેલા ઉદ્યોગો અને તેના મળતીયાઓ દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવીને જન આરોગ્ય સામે મોટું જોખમ ઉભું કરવામાં આવે છે. માનવ આરોગ્ય સાથે ચેડાં કોઈ કાળે સાંખી લેવાય એવા નથી. આ પ્રદુષણ ફેલાવવાની ગંભીર સમસ્યા હોવાનું જણાવી મોરબીના રફાળેશ્વરની આજુબાજુમાં આવેલ પેપરમિલો તેમજ સિરામીક ફેકટરી દ્વારા કેમીકલયુકત વેસ્ટ કચરાનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આ પ્રદૂષણથી ભારે દુર્ગંધ સાથે અનિષ્ટ ફેલાય છે. આ કચરો પશુઓ તથા માનવજાત માટે હાનીકારક હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં આ પ્રદુષિત કચરો હાલ જે જગ્યામાં નાખવાં આવે છે તે જગ્યા સરકારી ખરાબો તથા ઈરીગેશનની જગ્યા છે. કેટલીક પેપરમિલો તથા સિરામીક એકમોએ પોતાના વેસ્ટજ કચરો ઉપાડવાની ખાનગી પાર્ટીઓને કોન્ટ્રાકટ આપેલ છે અને આ લોકો દ્વારા આ જગ્યા ઉપર માનવ તથા પશુધન માટે જોખમી કચરો અહીં નાખવામાં આવે છે. જેના કારણે આજુબાજુના વસાહતીઓ તથા પશુઓના આરોગ્ય સામે મોટો ખતરો રહે છે. ચૉકાવનારી બાબત એ છે કે, ચોમાસામાં આ કચરાનું વેસ્ટ પાણી મચ્છુ-2 ડેમમાં જાય છે તેના કારણે આરોગ્ય ઉપર માંઠી અસર થાય છે. વધુમાં રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે આ ગંભીર પ્રદુષણ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી અને જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ નાણા કોન્ટ્રાકટરો પાસેથી નાણાં ઉઘરાવી સબ સલામત હોય તેવું દર્શાવે છે ? તેવી લોકોમાં પણ ચર્ચા થાય છે. જ્યારે મોરબી મચ્છુ - 2 ડેમ નજીક ગંભીર પ્રદુષણના મામલે મોરબી અપડેટે જીપીસીબીના અધિકારી મહેન્દ્રભાઈ સોનીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રદુષણ જ્યાં ફેલાવવામાં આવતું હોય એ બનાવ સ્થળે જીપીસીબીની ટિમો તપાસ કરવામાં દોડાવાશે અને જે જે ઉદ્યોગો પ્રદુષિત કચરો નાખતા હશે તે તમામ જવાબદારો નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી પ્રદુષણ ફેલાવતા હશે તેની સામે કડક એક્શન લેવાશે અને પ્રદુષણ ફેલાવાતું બંધ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.