ધોરણ 7મા અભ્યાસ કરતા અનંતે ગાંધીજી, સરદાર પટેલ અને ક્રાંતિકારીઓના આબેહૂબ ચિત્રો દોર્યા મોરબી : દરેક બાળકોમાં કોઈ ને કોઈ શક્તિ છુપાયેલી હોય છે. જો તેને યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો આ કલા નીખરે છે અને તે દુનિયાની સામે વ્યક્ત થઈ શકે છે. ત્યારે આવી જ એક કલા મોરબીના રાજપર ગામના ધોરણ 7માં અભ્યાસ કરતાં અનંત અઘારા પાસે છે. આ કળા છે ચિત્રકળા.. અનંત આટલી નાની ઉંમરમાં માત્રને માત્ર પેન્સિલ વડે ક્રાંતિકારીઓના આબેહૂબ ચિત્રો દોરી સૌને અંચબિત કરી દીધા છે. મોરબી તાલુકાના રાજપર ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતાં અનંત સુખદેવભાઈ અઘારામાં ચિત્રકામની અદભૂત કળા છે. આ કળાને શિક્ષક દિનેશભાઈ પડસુંબિયાના માર્ગદર્શન અને પરિવારજનોની પ્રેરણાથી બળ મળ્યું અને અનંત અઘારાએ દેશનેતાઓના અદભુત, અલૌકિક ચિત્રો દોર્યા છે. અનંત અઘારાએ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, વીર કર્તારસિંહ, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, ડો.બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદજી વગેરે મહાનુભાવોના આબેહૂબ ચિત્રો દોર્યા છે. નાની ઉંમરના વિદ્યાર્થીની આ મોટી સિદ્ધિ અને આવડત જોઈને શાળા પરિવારે પણ તે ભવિષ્યમાં સારો ચિત્રકાર બને તેવી શુભેચ્છા પાઠવી છે.