સહકારી મંડળીઓની 5 હજાર ટનની માંગણી સામે માત્ર 500 ટન યુરિયા ખાતર આપતા કૃષિમંત્રી આકરાપાણીએ હળવદ : હળવદ તાલુકામાં યુરિયા ખાતરની મોટી અછત છે. આથી સહકારી મંડળીઓએ 5 હજાર ટન યુરિયા ખાતરની માંગણી કરી હોય એની સામે માત્ર 500 ટન જ યુરિયા ખાતર આવતા સહકારી મંડળીઓની રજુઆતથી કૃષિમંત્રી આકરાપાણીએ થયા હતા અને તેમણે રાજ્યના ખેતી નિયામકને આદેશ આપીને હળવદ તાલુકાની માંગણી મુજબ યુરિયા ખાતર આપવાનો આદેશ આપ્યો છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના ખેતી નિયામકને આદેશ આપતા પરિપત્રમ જણાવ્યું છે કે, હળવદ તાલુકા સંઘ અને હળવદ તાલુકાની જુદી જુદી સહકારી મંડળીઓએ ખેતી નિયામક સમક્ષ 5 હાજર ટન યુરિયા ખાતરનો જથ્થો આપવાની માંગણી કરી હતી. પણ તેની માંગણી ફગાવી દઈને આ અધિકારીએ માત્ર 500 ટન જ યુરિયા ખાતર આપ્યું હતું. જેથી હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને હળવદ તાલુકા સંઘ અને સહકારી મંડળીઓ આ બાબતે કૃષિમંત્રીનું ધ્યાન દોરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આથી કૃષિમંત્રીએ હળવદ તાલુકાને માંગણી મુજબ યુરિયા ખાતર આપવાની તાકીદ કરી છે.