મોરબી : ભારત વેસ્ટેન્ડિઝ વચ્ચે રમાતી ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલા એક શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીકથી ઝડપી લઈ ઓનલાઈન આઈડી આપનાર બે વ્યક્તિને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં ભારત વેસ્ટેન્ડિઝ વચ્ચે રમાઇ રહેલ વનડે ક્રિકેટ મેચમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે જુગાર રમી રહેલા આરોપી વિશાલ લાલજીભાઈ સોનાગરા નામના શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસેથી ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 તેમજ 10 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક પૂછતાછમા આરોપીએ ચીખલી ગામના અતુલભાઈ નામના આરોપીના સંપર્કથી ડીસાના અરમાન મેમણ પાસેથી ઓનલાઈન જુગાર રમવા આઈડી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.