મોરબી : મોરબી જિલ્લાના ટીંબડી પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશભાઈ દલસાણિયાને ન્યુ દિલ્હી ખાતે આઈકોન્સ ઓફ એશિયા-2023 એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્લોબલ એમ્પાયર ઇવેન્ટ અને બીઝ નેશન ટીવી દ્વારા દર વર્ષે સમગ્ર એશિયા ખંડમાંથી વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય અને ઉત્કૃષ્ટ યોગદાન અને સેવાઓ માટે આઈકોન્સ ઓફ એશિયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સમગ્ર એશિયા ખંડમાંથી મોરબીના ટીંબડી પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશભાઈ દલસાણિયા ની પસંદગી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગત તારીખ 29 જુલાઈના ન્યુ દિલ્હી વેલકમ હોટલમાં આયોજિત સન્માન સમારંભમાં કમલેશભાઈ ને આઇકોન્સ ઓફ એશિયા -2023 એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પસંદગીના માપદંડો અને અન્ય પરિમાણોને પૂર્ણ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી ટીંબડી પ્રાથમિક શાળા તેમજ દલસાણિયા પરિવારનું ગૌરવ વધારનાર કમલેશભાઈને શુભેચ્છકો, શુભચિંતકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.