જિલ્લા કલેક્ટર કચેરી રોડના ખાડામા અનેક વાહન ચાલકો ખબકયા બાદ અદેપર ગામના સરપંચ અને રાજપૂત સમાજના આગેવાનોએ આદર્શ નાગરિક તરીકેની ફરજ અદા કરી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી જિલ્લા કલેક્ટર કચેરીના રોડ ઉપર મસમોટો ખાડો પડ્યો હોવાથી અનેક વાહનચાલકો ખાબકી રહ્યા હોય વાહન ચાલકોની સલામતી માટે અદેપર ગામના સરપંચ અને રાજપૂત સમાજના આગેવાનોએ આગળ આવી અડધી રાત્રે યોગ્ય રોડનું સમારકામ કરીને આદર્શ નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. મોરબીના સામાકાંઠે આવેલી જિલ્લા કલેક્ટર કચેરીના રોડ ઉપર મસમોટો ખાડો પડી ગયો હતો. આ ખાડાને કારણે ઘણીવાર અકસ્માત થતા હોવાથી ખાડો જોખમી બની ગયો હતો. આ ખાડાને કારણે વાહન ચાલકોની સલામતી જોખમાવાની સાથે મસમોટા ખાડામાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ તંત્રને કાઈ પડી જ હોય એમ આ ખાડો ન બુરતા અંતે વાહન ચાલકોની પરિસ્થિતિ પામીને ખાડો રીપેર કરવા સ્થાનિક અગ્રણીઓ આગળ આવ્યા હતા. જેમાં અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા તેમજ મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા અને રાજપૂત સમાજના અગ્રણીઓ સહિતની ટીમે વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે અડધી રાત્રે 12 વાગ્યે ખાડો બુરવા શ્રમદાન હાથ ધર્યું હતું અને આ સમગ્ર ટીમે અડધી રાત્રે શ્રમદાન કરીને સિમેન્ટ કોંક્રેટના મિશ્રણ થકી મજબૂતાઈથી ખાડો બુરીને માર્ગ એકદમ ચાલવા યોગ્ય બનાવી દીધો હતો. જો કે રોડ બનાવવા અને રોડ ઉપર પડેલા ખાડાનું વ્યવસ્થિત બુરાણ કરવું તંત્રની જ જવાબદારી છે. પણ તંત્ર એ જવાબદારીમાંથી ઉણુ ઉતરે છે. ત્યારે અદેપર ગામના સરપંચની જેમ દરેક નાગરિક પોતાની આદર્શ નાગરિક તરીકેની ફરજ અદા કરે તો તંત્રને ખુદ શરમ આવશે અને તંત્રને એની જવાબદારીનું ભાન થશે.