મોરબી : મોરબીમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો.હેમાબેન અઘેરા તેમજ સેક્રેટરી ડો. કૃષ્ણ ચગ દ્વારા સંસ્કાર બ્લડ બેંક ઓડિટોરીયમ ખાતે મોરબીના તમામ ડોક્ટરના પરિવારો માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજકોટથી માર્ગદર્શક આચાર્યો ડો. વાઘવાણી અને ડો. રાજુભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડો. વાઘવાણીએ વિપશ્યનાનું પૂર્વ ચરણ આનાપાનસતિ ધ્યાનનું પ્રેક્ટિકલ કરાવી અનુભવ પૂરો પાડ્યો હતો. ત્યારપછી સ્લાઈડ શોની મદદથી ધ્યાન અને વિપશ્યના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. તેઓએ રસપ્રદ રીતે ધ્યાન કેવી રીતે કરી શકાય? અને ડોક્ટર્સ માટે તેની જરૂરિયાત સમજાવી હતી. તેમજ ઉત્તમ ધ્યાન પધ્ધતિ વિપશ્યનાનું વિજ્ઞાન સમજાવ્યું હતું. આચાર્ય રાજુભાઈએ વિપશ્યના સાધનામાં શ્વાસ અને સંવેદનાનું આલંબનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ વિપશ્યનાનો ઈતિહાસ, કેન્દ્રોની કાર્યપ્રણાલી, 10 દિવસીય શિબિર વિશે સુંદર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિપશ્યના જૂના સાધક અને આઈએમએના પ્રમુખ ડો. હેમાબેન અઘેરાએ વિપશ્યના વિશેના પોતાના અનુભવો વિશે વાત કરી હતી. તેમજ સાઘના કરવા ઈચ્છુક લોકોએ પ્રશ્નોતરી કરી આચાર્ય રાજુભાઈ મહેતા પાસેથી સમાધાન મેળવ્યું હતું. આ કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મોરબીના અનુભવી સાધક નરેન્દ્રભાઇ અઘારાએ સેવા આપી હતી. શિબિરના અંતે હેમાબેન પટેલએ આભારવિધિ કરી હતી.