ભાજપ યુવા કાર્યકર અને ધારાસભ્યની વાતચીતનો ઓડિયો વાયરલ થવા મામલે મારું નામ ન આવવું જોઈ એ કહી 15 દિવસ પેહલા કર્યો હતો હુમલો મોરબી : કોંગ્રેસમાં ક્યાં હવે ગુંડા રહયા છે... બધા આપણામાં જ આવી ગયા... મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને યુવા ભાજપના કાર્યકર વચ્ચેની આ વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ સાતથી આઠ શખ્સોએ ઓડિયો ક્લિપમાં જેમનો અવાજ છે એવા ભાજપના હોદ્દેદારને ઓડિયો કલીપ વાયરલ કરવામાં મારું નામ ન આવવું જોઈ કહી સરાજાહેર માર મારવા પ્રકરણમાં અંતે ભાજપ અગ્રણીના પુત્ર અને અજાણ્યા સાતથી આઠ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ થોડો સમય પૂર્વે ભાજપના યુવા કાર્યકર અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચે મોરબીમાં બનેલ બે જુદી જુદી ઘટનાઓ અંગેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો જેમા ધારાસભ્ય અમૃતિયાએ કોંગ્રેસમાં કયા હવે ગુંડા રહ્યા છે તેવી વાતચીત કરી હોય મામલો ગરમાયો હતો. આ મામલે ઓડિયો ક્લિપમાં જેમનો અવાજ હતો તે યુવક ફરિયાદી પ્રગ્નેશભાઈ ઉર્ફે રઘો રમેશભાઈ ગોથી ઉ.32 રહે.રવાપર રેસિડેન્સી, હરીદર્શન એપાર્ટમેન્ટ નામના યુવાનને આરોપી અમિતભાઈ દેવાભાઈ અવાડિયા અને અન્ય સાતથી આઠ શખ્સોએ રવાપર ચોકડી પાસે બે અલગ અલગ કારમાં ધસી આવી ગત તા. 14 જુલાઈના રોજ માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડયા હતાં વધુમાં ફરિયાદી પ્રગ્નેશભાઈ ઉર્ફે રઘો રમેશભાઈ ગોથીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે તેમની અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ આરોપી અમિતભાઈ દેવાભાઈ અવાડિયા અને અન્ય સાતથી આઠ શખ્સો રવાપર ચોકડીએ ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, ઓડિયો કલીપ વાયરલ કરવા અંગે પોતાનું ક્યાંય નામ ન આવવું જોઈએ કહી ધમકી આપી હતી અને કાળા કલરની થાર અને નંબર વગરની વર્ના કાર તેમજ બે એક્ટિવામાં આવેલ શખ્સોએ ધોકા, લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રગ્નેશભાઈ ગોથીની ફરિયાદને આધારે આરોપી અમિતભાઇ દેવાભાઈ અવાડિયા વિરુદ્ધ આઇપીસી કલમ 323,504,506(2),143,147,148,149 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.