મોરબી : આજ રોજ તારીખ 27 જુલાઈના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર અને ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-મોરબીના સયુંકત ઉપક્રમે પાનેલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ના કુલ 110 વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા. આ પ્રસંગે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન, તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો અને અંતે શાળાના શિક્ષક દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા એસ.એચ.એ. શૈલેષ પારજીયા, સી.એચ.ઓ-પાનેલી, એફ.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.