મોરબી : મોરબીના જ્યોતિષાચાર્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યા આગામી તા. 26 જુલાઈના ઉજ્જૈન બાબા મહાકાલના આંગણે આયોજીત ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદમાં ઉપસ્થિત રહેશે. મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચ, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે તા. 26 જુલાઈએ માધવ સેવા ન્યાસ સંકુલ મહાકાલ મંદિર પરિસર ખાતે સવારે 11 વાગ્યાથી વૈદિક ભાષા દર્શન અને ઉચ્ચારણ વિજ્ઞાન પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદનો પ્રારંભ થવાનો છે. આ રિસર્ચ સેમિનારમાં સંસ્કૃત જગતના વિદ્વાનો અને સંશોધકો ત્રણ દિવસ સુધી વૈદિક ભાષા ફિલસૂફી અને ઉચ્ચારણ વિજ્ઞાન વિષય પર સંશોધન પેપરનું મંથન કરશે અને વાંચન કરશે. આ સેમિનારમાં મોરબીના જાણીતા વિદ્વાન મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યાને પણ આમંત્રણ પાઠવ્યું છે.જે મોરબી માટે ગૌરવની વાત છે. આ પહેલા પણ મહામહોપાધ્યાય જીગ્નેશભાઈ પંડ્યા લખનઉ ખાતે જ્યોતિષ વિષયની પરિચર્ચાઓમાં ભાગ લઇ મોરબીને ગૌરવ અપાવ્યું હતું. આ સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.મોહન યાદવ, સરસ્વતીતિથિ વિક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અખિલેશ કુમાર પાંડે, ડો.અશોક કડેલ, ડાયરેક્ટર હિન્દી ગ્રંથ અકાદમી ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સત્રના મુખ્ય વક્તા પ્રો. સચ્ચિદાનંદ મિશ્રા, સેક્રેટરી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, નવી દિલ્હીની અધ્યક્ષતામાં વાઇસ ચાન્સેલર પ્રો.વિજય કુમાર સી.જી.પણ હાજર રહેશે.