એસઓજી ટીમે માળીયા ફાટક નજીક પિકઅપ બસ સ્ટોપ નજીકથી બે રાજસ્થાની શખ્સને દબોચ્યા, એક નું નામ ખુલ્યું મોરબી : મોરબીમાં ગાંજો અને એમડી ડ્રગ્સ છાસવારે ઝડપાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા ફાટક નજીક પિકઅપ બસ સ્ટોપ નજીકથી બે રાજસ્થાની શખ્સને 149.60 ગ્રામ હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લઈ અન્ય એક રાજસ્થાની ડ્રગ્સ પેડલરનું નામ ખોલાવ્યું હતું. મોરબીને ઉડતા મોરબી બનાવવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રિય બન્યા છે પરંતુ મોરબીની પોલીસ ટીમ બાતમીદારોના નેટવર્ક થકી આવા ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સ પેડલરોને વીણી વીણીને પકડી રહી છે ત્યારે તાજા ભૂતકાળમાં બે વખત એમડી ડ્રગ્સ પકડાયા બાદ ગઈકાલે મોરબી એસઓજી ટીમે માળીયા ફાટક નજીક આવેલા પિકઅપ બસ સ્ટોપ પાસેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની આરોપી કૈલાશરામ ગોરખારામ નાઈ ઉ.23 અને રમેશકુમાર મોહનરામ સિયાગ ઉ.22 નામના શખ્સોને 149.6 ગ્રામ હેરોઇન ડ્રગ્સ કિંમત રૂપિયા 7,48,000, મોબાઇલ ફોન નંગ 3 કિમત રૂપિયા 10,500, રોકડા રૂપિયા 4600 મળી કુલ રૂપિયા 7,63,100 સાથે ઝડપી લીધા હતા. વધુમાં મોરબી એસઓજી પોલીસે હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધેલા બન્ને શખ્સની પ્રાથમિક પૂછતાછમા આરોપીઓએ હેરોઇનનો આ જથ્થો સાંચોર રાજસ્થાનના દિનેશ બીશ્નોઈ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે ત્રણેય વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી મોરબીમા આ ડ્રગ્સ કોને સપ્લાય કરવા આવ્યા હતા તે સહિતની બાબતોએ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સોગ