મોરબીમાં ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, સામાજિક અગ્રણીઓ સહિત 800 થી વધુ લોકોએ સમર્પણ ધ્યાનયોગ શિબિરનો લીધો લાભ મોરબી : હિમાલયના મહર્ષિ પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં મોરબીમાં સમર્પણ ધ્યાનયોગ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કેશવ બેંકવેટ હોલમાં યોજાયેલ આ શિબિરમાં શહેરના ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, શહેરના અગ્રણીઓ અને સાધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો જિલ્લા કલેક્ટર જી.ટી.પંડિયા, અધિક કલેક્ટર મૂછાર સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર નિરવભાઈ વ્યાસ, બ્રહ્માકુમારીના જુલીબેન, ડી સી સાહેબ દુર્લભજીભાઈ જીલોટવાળા, રાજુભાઈ પટેલ વગેરે દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સ્વામીજીએ પ્રવચનમાં જણાવ્યું હતું,' લોકો જેને ધર્મ કહે છે તે ખરેખર ઉપાસનાપદ્ધતિ છે. ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ ધર્મ એક જ છે જે છે મનુષ્ય ધર્મ. અનેક દેશોની ઉપાસનાપદ્ધતિના અભ્યાસ પરથી જાણવા મળે છે કે ભારતીય સંસ્કૃતિમાં જ જીવંત ગુરુનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ એટલે કે સાક્ષાત્ કોઈ પરમાત્મા હોય તો તે ગુરુ છે. પરંતુ પ્રશ્ન થાય કે પરમાત્મા અવિનાશી છે, જ્યારે ગુરુ નાશવંત છે. વાસ્તવમાં ગુરુનું શરીર પરમાત્મા નથી, ગુરુના શરીરમાંથી વહેતું ચૈતન્ય પરમાત્મા છે. શરીરના પ્રયત્નોથી ક્યારેય પરમાત્માની પ્રાપ્તિ થતી નથી કારણ કે પરમાત્મા બહાર નથી પરમાત્મા ભીતર છે.' પૂજ્ય સ્વામીજીએ 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું, 'એવી કોઈ ઉપાસનાપદ્ધતિ નથી, કોઈ દેવતા નથી, કોઈ ગ્રંથ નથી કે કોઈ ભાષા નથી કે જે 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના સાકાર કરી શકે. ફક્ત યોગના માધ્યમથી જ આ શક્ય બની શકે છે. આજે સમર્પણ ધ્યાનયોગમાં જુદા-જુદા દેશના, જુદી-જુદી જાતિના,જુદા-જુદા ધર્મના અનેક લોકો જોડાયેલા છે, જે નિયમિત ધ્યાન કરે છે. વ્યક્તિના જીવનમાં જે કંઈ સમસ્યા છે એ શરીરની સમસ્યા છે. જો શરીર ભાવપૂર્ણ થઈ જાય તો સમસ્યા પણ દૂર થાય છે. ધ્યાન કરવાથી શરીરભાવ ધીમે-ધીમે ઓછો થશે અને આત્મભાવ વધશે, જેથી શરીરને લઈને જેટલી સમસ્યા છે તે દૂર થશે. યોગનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. યોગ એટલે યોગાસન નહિ. મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ યોગમાં છે.' આ ઉપરાંત ધ્યાન કરવા બાબત તેઓએ જણાવ્યું હતું,'પરમાત્મા એટલે વિશ્વચેતના, ધર્મ એટલે મનુષ્યધર્મ અને ગુરુ એટલે જીવંત પરમાત્મા. કોઈ અપેક્ષા સાથે ધ્યાન ન કરો. અપેક્ષા શરીરની હોય છે, આત્માને કોઈ અપેક્ષા હોતી નથી. નિયમિત ધ્યાન કરવાથી જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવે છે. ડોક્ટરોએ સૌથી વધુ ધ્યાન કરવાની જરૂર છે.' આ ઉપરાંત ગંગામાં સ્નાન કરવા બાબત તેઓએ સ્વાનુભવ જણાવ્યો હતો,' ગંગામાં સ્નાન કરવાથી સ્વાધિષ્ઠાનચક્ર, હૃદયચક્ર અને આજ્ઞાચક્ર શુદ્ધ થાય છે. આ ત્રણેય ચક્ર સ્મૃતિ સાથે સંકળાયેલાં છે. નહાવાથી પાપ નહીં, પરંતુ ભૂતકાળની સ્મૃતિઓ નાશ પામે છે. જેના કારણે વ્યક્તિ એ સ્મૃતિઓથી મુક્ત થાય છે.' પ્રવચન બાદ સામૂહિકતામાં સહુને ધ્યાનનો અનુભવ પણ કરાવ્યો હતો. ધ્યાન બાદ પ્રશ્નોત્તરીમાં ઉપસ્થિત લોકોના પ્રશ્નોનું સમાધાન પૂજ્ય સ્વામીજીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ ભોજનપ્રસાદ લઈને સહુ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મોરબીના રાજુભાઈ પટેલ અને હીનાબેન પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુતત્ત્વ મંચ દ્વારા આ કાર્યક્રમનું ઓનલાઈન જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.