મચ્છુ-1 ડેમમાં હાલ 2601 ક્યુસેક પાણીની આવક હોય ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા મોરબી : વાંકાનેરનો મહાકાય મચ્છુ 1 ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ 80 ટકા ભરાય ગયો છે. આ મચ્છું-1 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા હોવાથી ડેમ હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ 2 ડેમ પણ 63 ટકા ભરાઈ ગયો છે. વાંકાનેરનો મહાકાય મચ્છુ -1 ડેમમાં હમણાંથી ઉપરવાસમાં સતત વરસાદથી નવી જલરાશીની સતત આવક થઈ રહી છે અને ગઈકાલે રાતથી આજ સવાર સુધીમાં આ ડેમમાં પાણીની આવક સતત વધતા મચ્છુ -1 ડેમ હાલ 80 ટકા ભરાય ગયો છે. હાલ મચ્છુ 1 ડેમમાં 2601 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી આ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા હોય ડેમ હેઠવાસના અદેપર, લખધીરનગર, લીલાપર, મકનસર, ધમાલપુર, ઢુંવા, ગારિયા, હોલમઢ, જલસિક્કા, કેરાળા, લુણસર, મહિકા, પાંઝ, પંચાસર, પંચસિયા, રાણકપર, રસિકગઢ, રાતીદેવરી, વઘાસિયા, વાંકાનેર, વાંકીયા સહિત 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીની જીવાદારી સમાન મચ્છુ-2 ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે. 33 ફૂટની સપાટી ધરાવતા આ ડેમની સપાટી હાલ 26.5 ફૂટે પહોંચી છે. એટલે 26.5 ફૂટ આ ડેમ ભરાય ગયો છે અને આ ડેમ 62.47 ટકા ડેમ ભરાય ગયો છે. હાલ 2008 ક્યુસેક પાણીની આવક હોય અને આવી જ આવક ચાલુ રહે તો આવતીકાલે મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાય જવાની શક્યતા છે. મચ્છુ-3 ડેમની વાત કરીએ તો આ ડેમ છેલ્લા 15 દિવસથી ઓવરફ્લો ચાલુ રહ્યો છે. આજે પણ મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખુલ્લો છે.