રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં 8 લોકોનો ભોગ લેવાયો મોરબી : રાજ્યના હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી મોરબી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે, આગામી 24 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ વરસાદના ત્રીજા રાઉન્ડમાં કુલ 8 લોકોના મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું છે. શનિવારે ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને જુનાગઢમાં જોવા મળી હતી. જુનાગઢમાં છેલ્લા કેટલાક દાયકો બાદ ગઈકાલે ધોધમાર વરસાદને કારણે ભયંકર પૂર આવ્યુ હતું. જ્યારે નવસારીમાં બે કલાકમાં જ 9 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 જુલાઈ એટલે કે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દ્વારકા, કચ્છમાં અતિથી અતિભારે, જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તણાઈ જવાને કારણે કુલ 8 લોકોના મોતના અહેવાલ મળ્યા છે.