આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે વિપક્ષો અને અપક્ષ ઉમેદવારોએ તલવાર મ્યાનમાં કરી લેતા ભાજપ બિન હરીફ જાહેર થયું હળવદ : હળવદ માર્કેટ યાર્ડ વર્ષોથી ભાજપના કબ્જામાં હોવાની વચ્ચે આજે ફરી એકવાર ચૂંટણી પહેલા જ હળવદ માર્કેટ યાર્ડને કબજે કર્યું છે. જેમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે તમામ વિપક્ષ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને શરૂઆતથી જ ભારે ઉત્તેજના રહી છે. જેમાં હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 30 ફોર્મ ભરાયા બાદ એક ફોર્મ રદ થયું હોય 29 ફ્રોમ માન્ય રહ્યા અને વેપારી પેનલમાં 4 બેઠકો માટે પાંચ ફોર્મ અને ખરીદ વેચાણ સંઘની એક બેઠક માટે એક જ ફોર્મ ભરાયું હતું. આમ કુલ માર્કેટ યાર્ડની ચૂંટણીની કુલ 15 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટે કી ટક્કર જેવો જંગ હતો. પણ છેલ્લી ઘડીએ ભાજપે કુકરી ગાંડી કરતા ચૂંટણી પહેલા જ તમામ બેઠકો એના હાથમાં આવી ગઈ હતી. જેમાં આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે વિપક્ષ અને અપક્ષના તમામ ઉમેદવારોએ સૌના આશ્ચર્ય વચ્ચે ઉમેદવારી ફોમ પરત ખેંચી લેતા હળવદ માર્કેટ યાર્ડની કુલ 15 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ 15 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જો કે આ ચૂંટણી તા.27ના રોજ થવાની હતી અને તા.28ના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું. એ પહેલાં જ ભાજપે હળવદ માર્કટ યાર્ડને કબજે કરી લેતા હવે હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે.