મોરબીના નવલખી રોડ ઉપર બનેલા ઓવરબ્રીજમાંથી અચાનક કિલો અડધો કિલોના પોપડા ખરી પડતા વાહનચાલકો ઉપર જોખમ : માર્ગ અને મકાન વિભાગે તપાસ માટે ટિમ દોડાવી મોરબી : સરકારી કામમાં લોટપાણીને લાકડાની નીતિ અપનાવતા કોન્ટ્રાક્ટરોના પાપે જનતા ઉપર જોખમ આવી પડતું હોવાની અનેક ઘટનાઓ વચ્ચે આજે મોરબીના નવલખી રોડ ઉપર બનેલા નવા નકોર ઓવરબ્રીજમાંથી અચાનક કિલો અડધો કિલો જેટલા વજનના પોપડા ખરી પડતા ચકચાર મચી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રીજમાંથી લટકતા જોખમ જેમ પોપડા ખરવાના બનાવ મામલે આ પુલ નિર્માણ કાર્યની સારસંભાળ રાખનાર રાજકોટ માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવતા તપાસ માટે ટિમો દોડાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બાયપાસ ઉપર નવલખી રોડ ઉપર તાજેતરમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા જ બ્રિજ ઉપર વાહનવ્યવહાર શરૂ કરી દેવાયો છે. જો કે ઓવરબ્રિજ શરૂ થયાને હજુ માંડ બે મહિના જેટલો સમય થયો છે તેવામાં જ આજે બ્રિજના જોઈન્ટમાંથી કિલોગ્રામથી લઈ અડધો કિલોગ્રામ વજનના પોપડા ખરી પડતા અહીંથી અસર થતા વાહનો અને રાહદારીઓ માટે જીવનું જોખમ સર્જાયું છે. બીજી તરફ મોરબી બાયપાસ હાઇવે ઉપર નવલખી રોડ ઉપર નિર્માણ થયેલ આ ઓવરબ્રિજ રાજકોટ માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતો હોવાથી પોપડા ખરવા મામલે આરએન્ડબીના અધિકારી બાસીડાનો સંપર્ક સાધતા નવા નકોર બ્રીજમાંથી પોપડા ખરવા બાબતે તેઓ પણ ચોકી ઉઠ્યા હતા અને તપાસ માટે ટીમ દોડાવી રહ્યા હોવાંનું જણાવ્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ બિપરજોય વાવાઝોડા સમયે વરસાદમાં માળીયા નજીક એક નવેનવો ઓવરબ્રિજ પણ ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.