મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે,શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ તથા નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવેલ હતો. આ અંગે મંત્રી દ્વારા પત્રકાર પરિષદમાં પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ અંગેની ખાતરી આપી ટૂંક સમયમાં તમામ ઠરાવ કરવા સ્વીકારવામાં આવેલ હતું. ચૂંટણીઓ બાદ શિક્ષણમંત્રીએ તમામ પરિપત્રો કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ ગત એપ્રિલ માસમાં વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શિક્ષણ સચિવ વિનોદરાવ ગુ.મા. અને ઉ.મા.શિ.બોર્ડ ના અધ્યક્ષએ.જે.શાહ અને સંબંધિત તમામ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિ સમક્ષ મંત્રીએ પત્રકાર પરિષદમાં શાળાઓનું નવું સત્ર શરૂ થાય તે પહેલા તમામ ઠરાવ બહાર પાડવાની જાહેરાત કરી હતી. ત્રણ ત્રણ વખત જાહેરાત કરવામાં આવ્યા પછી શાળા શરૂ થયાને દોઢેક માસ થવા છતાં હજુ પણ મોટા ભાગની શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબટીચર વગેરે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. શાળાઓમાં પૂરતો સ્ટાફ ન હોવા છતાં હાલમાં યુડાયસ પ્લસ, આધાર ડાયસ, TAT પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી પૂરક પરીક્ષાની ઉત્તરવહીનું પરીક્ષણ અને નિરીક્ષણ, એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃતિ દરખાસ્ત જેવી કામગીરીની જવાબદારીઓના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે. તેથી શૈક્ષણિક કર્મચારીઓની ૧૦૦ ટકા કાયમી ભરતી તથા બિનશૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ખાલી જગ્યા પર કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવી બિનશૈક્ષણિક કર્મચારીઓ કારકુન, ગ્રંથપાલ, પટાવાળા, પ્રયોગશાળા મદદનીશની ભરતીની સંચાલકમંડળને સત્વરે મંજૂરી આપવી, કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકની ભરતીની સંચાલક મંડળને સત્વરે છૂટ આપવી. સરકાર દ્વારા ઉકેલવામાં આવેલ નીચેના પ્રશ્નોના ઠરાવ તાત્કાલિક બહાર પાડવા, તારીખ 1-4-2005 પહેલા નિમણૂક પામેલ શિક્ષક કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર કરવો, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી, વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવોની માંગ કરી છે. આચાર્યને તારીખ 5-1-1965 ના પરિપત્ર મુજબ એક ઇજાફો આપવા બાબતનો પરિપત્ર કરવો, બિનશૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ તારીખ 16-8-2017 ના ઠરાવથી રદ કરેલ છે તે પુનર્જીવિત કરી આ ઠરાવ તારીખથી આજ દિન સુધી ખાલી પડેલ જગ્યા ઉપર બિનશૈક્ષણિક વર્ગ-૩ (ક્લાર્ક) તથા વર્ગ-૪ (પટાવાળા)ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા પહેલાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી, વર્ધિત પૅન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તી સમયે 300 રજા રોકડના રૂપાંતર આપવા બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ કરવો, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી, બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલ જગ્યા ઉપર ક્લાર્ક સેવકની ભરતી કરેલ નથી તે જગ્યાઓમાં ખાતાકીય પરીક્ષા લેવાય તે પહેલાના બઢતી મેળવવા પાત્ર વર્ગ-૩ (ક્લાર્ક) વર્ગ.૪ (પટાવાળા) કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી બઢતી આપવી, જુના શિક્ષકની ભરતી કરવી અને આપે સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલ.પી.એ. પરત ખેંચવી, સાતમા પગાર પંચના તફાવતનો પાંચમો હપ્તો તાકીદે આપવો, એફ આર સી દ્વારા નિયત કરવામાં આવેલ ફીના સ્લેબમાં કોઈ ફેરફાર છેલ્લા છ વર્ષથી કરવામાં આવેલ નથી તાજેતરમાં રક્ષાશક્તિ સ્કૂલની ફીનો રેશિયો નક્કી કરવામાં આવેલ છે તે મુજબ પ્રાથમિકમાં રૂપિયા 22000/- માધ્યમિકમાં રૂપિયા 33000- અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂપિયા 40000/- લઘુતમ ફી નક્કી કરવામાં આવે અને દર વર્ષે 7 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે.