વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એરપોર્ટનું ઉદઘાટન કરવા તડામાર તૈયારીઓ મોરબી : હિરાસર ગામે નિર્મિત રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આગામી તા.27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. હિરાસર એરોપર્ટ શરુ થતા જ મોરબીના નાગરિકોને રાજકોટનો ધક્કો બચી જવાની સાથે સમયની પણ બચત થશે. રાજકોટના નવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું અગાઉ 16 જુલાઈએ ઉદઘાટન થનાર હતું જેમાં મુદત પડતા હવે આગામી તારીખ 27મી જુલાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની સંભાવના જોવાઈ રહી છે. હિરાસર એરપોર્ટ પર જેટલા કામ બાકી છે તે તમામ કામો ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના ઓબ્ઝર્વેશન હેઠળ પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હિરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે મોરબી સહીત સૌરાષ્ટ્રવાસીઓને એક મોટી ભેટ આગામી તા.27મીએ મળનાર છે. વધુમાં ઉદઘાટન બાદ આગામી ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં જ રાજકોટ એરપોર્ટને હિરાસર ખાતે શિફ્ટ કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે અને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.