મોરબી : આજ રોજ 17 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ નિમિત્તે ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટી મોરબી દ્વારા મફત અને સક્ષમ કાનુની સેવાના વિષય પર કાનુની જાગૃતિ કાર્યક્રમો યોજીને ઉજવણી કરી હતી. ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટી મોરબી દ્વારા નવયુગ શિક્ષણ કેમ્પસમાં આવેલી નવયુગ શાળામાં 13 થી 17 વર્ષની વિદ્યાર્થિનીઓ માટે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં પોક્સો એક્ટ, નિર્ભયા બ્રિગેડ, સ્વરક્ષણની ટેક્નિક વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના 35000 વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનો અનુભવ ધરાવતા સ્વરક્ષણના નિષ્ણાત મનીષભાઈ અગ્રાવત (ડાયનેમિક વોરિયર) મોરબીની મદદથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જો હુમલો થાય તો હાથ-પગના બળ અને દુપટ્ટાથી કેવી રીતે રક્ષણ કરવું તેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબીના જાણિતા વકીલ નિશિતભાઈ ઘેટીયા પણ હાજર રહ્યા હતા અને કાયદા બાબતની જાણકારી આપી હતી.