હળવદ તાલુકાના સાપકડા ગામે બે શખ્સોએ પાઇપ ધારીયા વડે બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે શેઢા પાડોશીએ ખેડૂતને જમીન ઉપર આવતો નહિ નહિતર જાનથી પતાવી દઈશ કહી બે વ્યક્તિ ઉપર પાઇપ ધારીયા વડે હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા અને ભવાનભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે તેમની બાજુમાં જ ખેતીની જમીન ધરાવતા આરોપી પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઇ ચાવડા અને ભાવેશ હરીશભાઈ ઉર્ફે હરિભાઇ ચાવડાએ સાપકડા ગામના બસસ્ટેન્ડ પાસે બન્નેને ઉભા રાખી કહ્યું હતું કે, અમારી બાજુમાં આવેલી તારી જમીન ઉપર આવતો નહિ નહિતર જાનથી મારી નાખીશ કહી પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે પ્રભુભાઈ ચાવડાની ફરિયાદને આધારે આરોપી પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઇ ચાવડા અને ભાવેશ હરીશભાઈ ઉર્ફે હરિભાઇ ચાવડા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.