મોરબી : ગત તારીખ 9 જુલાઈ ને રવિવારના રોજ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં મંડળના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સાધારણ સભામાં મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. ત્યારબાદ ગત વર્ષનો નાણાકીય હિસાબ ખજાનચી ગૌરાંગભાઈ ગોહેલ દ્વારા રજૂ કરાયો હતો. ત્યારબાદ મંડળના પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા અને મહેન્દ્રભાઈ કચોટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાધારણ સભામાં શિક્ષણને લગતા અનેક મુદ્દાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર દ્વારા મંડળ દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થી સન્માન, સ્નેહમિલન કાર્યક્રમ, સામાન્ય જ્ઞાન કસોટી અને અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવતા પરીક્ષાર્થીઓને જમવા તથા રહેવાની સુવિધાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ મંડળના પ્રમુખ તરીકે અજયભાઈ ડાંગરે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી નવા પ્રમુખની ચર્ચા કરાઈ હતી અને ચર્ચાને અંતે સાધારણ સભામાં સર્વાનુમતે કર્મચારી મંડળના નવા પ્રમુખ તરીકે દિનેશભાઈ આર. હુંબલની વરણી કરવામાં આવી હતી અને પ્રમુખ તરીકે હોદાની રુએ મંડળના મંત્રી તરીકે મયુરભાઈ ગજીયાની પણ વરણી કરાઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરાયું હતું અને કાર્યક્રમમાં અંતે આભાર વિધિ મંડળના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર દ્વારા કરાઈ હતી.