અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી, કારણ અકબંધ મોરબી : મોરબીના લાલપર પાવર હાઉસ નજીક સિરામિક કારખાનમાં પેકીંગ વિભાગમાં કામ કરતા પરપ્રાંતીય યુવાનની ગત મધ્યરાત્રીએ કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા ચકચાર જાગી છે, જો કે હજુ હત્યારાઓની ઓળખ મળી નથી ઉપરાંત હત્યાનું કારણ પણ અકબંધ રહ્યું છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલ ઇપોસ સિરામિક કારખાનામાં પેકીંગ વિભાગમાં નોકરી કરતા ઝારખંડના વતની સોનાતભાઇ જાપાનભાઈ કોઈકાની હત્યા કરેલી હાલતમાં લાલપર પાવર હાઉસ પાછળથી લાશ મળી આવી હતી. વધુમા મૃતક સાથે કામ કરતા ફરિયાદી લખનભાઈ મોગયાભાઈ બારીએ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મૃતક તેમની સાથે પેકીંગ કામ કરતો હતો પરંતુ ગઈકાલે તાવ આવતા કામે આવ્યો ન હતો. બાદમાં કોઈએ પાવર હાઉસ પાછળ એક મૃતદેહ પડ્યો હોવાની જાણ કરતા ત્યાં જોતા મૃતક તેમની સાથે કામ કરતો સોનાતભાઈ કોઈકા હોવાનું માલુમ પડતા હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.